નર્મદા જિલ્લામાં ‘નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિ’ના એક બિન-રાજકીય મંચ પરથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે યુવાધનના વ્યસન, શિક્ષણ અને રાજકારણ પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પણ હાજર રહ્યા હતા.
દીકરીઓના વ્યસન પર આપ્યું ચોંકાવનારું નિવેદન
મનસુખ વસાવાએ સભામાં યુવાનોમાં વધતા જતા નશાના ચલણ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે હવે માત્ર છોકરા જ નહીં, ગુજરાતમાં દીકરીઓ પણ બિયર અને ઇ-સિગારેટ પીવા લાગી છે. કોલેજમાં જનારી દીકરીઓ જન્મદિવસની પાર્ટીઓમાં બિયર પીવે છે.
સાંસદે સ્થાનિક આદિવાસી યુવાનો રોજગારીમાં કેમ પાછળ છે તેનું કડવું સત્ય સ્વીકાર્યું. તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુખ્ય હોદ્દાઓ પર સ્થાનિક આદિવાસી યુવાનો કેમ નથી? કારણ કે આદિવાસી વિદ્યાર્થીઓએ એ પ્રકારનું ઉચ્ચ શિક્ષણ જ નથી લીધું. તેના કારણે નર્મદા જિલ્લાનો યુવાન પાછળ રહી જાય છે.
ધારાસભ્યને પૂછ્યો રમૂજી પ્રશ્ન!
વ્યસનની વાત ચાલતી હતી ત્યારે મનસુખ વસાવાએ મંચ પરથી જ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને રમૂજમાં એક પ્રશ્ન પૂછ્યો. તેમણે પૂછ્યું, ‘બેન, તમે ભણતા હતા તે સમયે કોઈ દિવસ ગુટખા ખાધા છે?’ આ સાથે જ તેમણે યુવાનોને ઇંગ્લિશ બોટલ (દારૂ) અને ગુટખા છોડવા માટે કડક સલાહ આપી હતી.
પાર્ટીના બેનર વગર આ કાર્યક્રમ કરવા પાછળનું કારણ પણ તેમણે સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું કે આ એક બિન-રાજકીય સંગઠન છે. પાર્ટીના સત્તાવાર કાર્યક્રમોમાં દારૂ અને જુગાર જેવા સામાજિક દૂષણો સામે ખુલ્લેઆમ બોલી શકાતું નથી. એટલા માટે જ આ સંગઠન બનાવ્યું છે જેથી ખુલ્લું બોલી શકાય.
ચૈતર વસાવા મુદ્દે આપી ખુલ્લી ચેલેન્જ
આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર થયેલી કાયદાકીય કાર્યવાહી અંગે ભાજપ પર લાગતા આરોપોનો તેમણે આક્રમક જવાબ આપ્યો. મનસુખ વસાવાએ કહ્યું કે, ‘ચૈતર વસાવા સાથે જે કંઈ પણ થયું છે, તેમાં ભાજપ પાર્ટીને કોઈ લેવા-દેવા નથી. કોઈના પર ખોટા કેસ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી, આ કોર્ટનું જજમેન્ટ છે.’
સાંસદની ખુલ્લી ચેલેન્જ: “જો કોઈ એવું સાબિત કરી આપે કે ભાજપ કે સરકારે ખોટી ફરિયાદ કરાવી છે, તો હું આજે જ જાહેર જીવન છોડી દઈશ.”
તેમણે છેલ્લે જણાવ્યું કે દારૂ-જુગારના અડ્ડાવાળા સામે તેઓ છેલ્લા ૩૦ વર્ષથી લડી રહ્યા છે. આ લડાઈમાં તેમના પર હુમલા પણ થઈ ચૂક્યા છે, પરંતુ તેઓ ડરવાના નથી. તેઓ નર્મદાના યુવાનોને આગળ લાવીને જ રહેશે.
