અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોતે IPS અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને રોફ જમાવતો એક નકલી અધિકારી ઝડપાયો છે. રેલવે પોલીસે પ્રહલાદનગરના જોન ડેનિયલ નામના શખ્સની ધરપકડ કરી છે.
આ નકલી IPS અધિકારીએ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા અસલી પોલીસકર્મી સાથે ગેરવર્તન કર્યું હતું. તેણે સેલ્યુટ ન મારવા બદલ કોન્સ્ટેબલ સાથે ધક્કામુક્કી પણ કરી હતી. અસલી કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે નકલી અધિકારીને જેલભેગો કર્યો છે.
શું હતો સમગ્ર મામલો? (The Whole Incident)
મૂળ સાબરકાંઠાના અને હાલ કાલુપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજય દેસાઈ સ્ટેશન બહાર બંદોબસ્તમાં હતા. કાલુપુર સ્ટેશન બહાર તેજસ એક્સપ્રેસનો સમય થયો હતો. આ સાથે જ આસપાસ વિકાસના કામો ચાલતા હોવાથી ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક કારમાં સવાર શખસે ટ્રાફિક જામ અંગે સવાલ કર્યો હતો. કોન્સ્ટેબલ અજય દેસાઈએ ટ્રાફિક જામ થવાનું યોગ્ય કારણ જણાવ્યું હતું. સાચો જવાબ સાંભળતા જ કારમાં સવાર શખસ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો.
તેણે કારમાંથી ઉતરીને કોન્સ્ટેબલને કહ્યું કે, “તે મને સેલ્યુટ કેમ નથી માર્યું?” આટલું કહીને તેણે કોન્સ્ટેબલને ધક્કો માર્યો હતો અને તેમની વરદી ખેંચવાનો પ્રયાસ કરીને ગેરવર્તન શરૂ કર્યું હતું.
‘તારી વરદી ખાઈ જઈશ…’ કહીને આપી ધમકી (Threat To Police Constable)
સ્ટેશન બહાર મામલો ગરમાતા આસપાસ ફરજ બજાવતા અન્ય પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અન્ય પોલીસ કર્મચારીઓની હાજરી હોવા છતાં આ શખસે પોતાનો ખોટો રોફ ઝાડવાનું ચાલુ રાખ્યું હતું.
તેણે પોલીસ કર્મચારીઓને ધમકી આપતા કહ્યું કે, “હું IPS જોન ડેનિયલ છું, તારી વરદી ખાઈ જઈશ. હું ડીજી સાહેબને કહીને તારું બહુ દૂર ટ્રાન્સફર કરાવી દઈશ.”
આટલું કહ્યા પછી તેણે પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ચીમકી આપીને તે ત્યાંથી નીકળી ગયો હતો.
અધિકારીઓના વર્ચસ્વથી પ્રભાવિત થઈને કરતૂત કરી (Why He Posed As IPS)
રેલવે પોલીસે કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે જોન ડેનિયલ નામના આ શખ્સને ઝડપી પાડીને તેની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી જોન ડેનિયલ કોઈ IPS અધિકારી નથી.
આરોપી અગાઉ SPC એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ કાર્યક્રમ સાથે સંકળાયેલો હતો. આ કાર્યક્રમ દરમિયાન તે ઘણા ઉચ્ચ IPS અધિકારીઓના સંપર્કમાં આવ્યો હતો. અધિકારીઓની લાઈફસ્ટાઈલ અને તેમના વર્ચસ્વથી પ્રભાવિત થઈને તેણે પોતે પણ IPS હોવાનો ખોટો રોફ જમાવવાનું શરૂ કર્યું હતું.
પોલીસની કાર્યવાહી: સરકારી કર્મચારીની ચાલુ ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ, અસલી પોલીસ સાથે ગેરવર્તન કરવા બદલ તેમજ પોલીસની ખોટી ઓળખ આપવા બદલ રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે નકલી IPS જોન ડેનિયલની ધરપકડ કરીને તેને જેલહવાલે કર્યો છે અને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.
<
