કર્ણાટકની રાજધાની બેંગલુરુ ના કે.આર. પુરમ વિસ્તારમાં બનેલા સનસનાટીભર્યા ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોતાના જ માતા-પિતા અને નાની બહેનની નિર્મમ હત્યા કરનાર આરોપી દીકરી શ્વેતાની પોલીસે પુડુચેરી રેલ્વે સ્ટેશનથી ધરપકડ કરી લીધી છે.
આ ભયાનક હત્યાકાંડમાં સોમસુંદર (૫૨ વર્ષ), તેમની પત્ની મુથુ લક્ષ્મી (૪૮ વર્ષ) અને નાની દીકરી સુપ્રિયા (૧૯ વર્ષ)ના મોત થયા હતા.
પૂછપરછમાં દીકરીએ ગુનો કબૂલ્યો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શ્વેતાએ પોતાની માતા મુથુ લક્ષ્મીની હત્યા કરી હોવાની વાત સ્વીકારી લીધી છે. શ્વેતાએ પોલીસને જણાવ્યું કે તેની માતાએ તેની આઝાદી છીનવી લીધી હતી. તે માતાનો ત્રાસ સહન કરી શકતી ન હતી. તેને વાત-વાતમાં ટોકવામાં આવતી હતી અને મન ફાવે તેમ જીવવા દેવામાં આવતી ન હતી. આ જ કારણે તે ઘર છોડીને ભાગી ગઈ હતી.
પરિવાર હોવા છતાં અનાથ જેવું લાગતું હતું
આરોપી દીકરીએ પોલીસ સામે ખુલાસો કર્યો કે માતા-પિતા અને બહેન હોવા છતાં તે ઘરમાં અનાથ જેવું અનુભવતી હતી. પોલીસને શ્વેતાના ઘરેથી એક ડાયરી પણ મળી છે. આ ડાયરીમાં પણ તેણે લખ્યું હતું કે તે આઝાદ રહેવા માંગે છે, તે ખૂબ જ તણાવમાં છે અને એકલી પડી ગઈ છે.
બોયફ્રેન્ડ હજી પણ ફરાર
હત્યાની આ ઘટના બાદ શ્વેતા તેના બોયફ્રેન્ડ કેનિથ સાથે ઘરની બહાર નીકળી હતી. જો કે, બાદમાં બંને અલગ થઈ ગયા હતા. પોલીસને હજી સુધી કેનિથનો કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસ શ્વેતાની મદદથી કેનિથ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
₹30 લાખનું દેવું અને લિવ-ઇન રિલેશનશિપ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શ્વેતા તેના બોયફ્રેન્ડ કેનિથ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ વાત તેના માતા-પિતાને પસંદ નહોતી. આ સિવાય શ્વેતાએ પરિવારથી છુપાવીને અલગ-અલગ જગ્યાએથી આશરે ₹30 લાખની લોન લીધી હતી.
જ્યારે તે લોનના હપ્તા (EMI) ભરી શકી નહીં, ત્યારે બેંકની નોટિસ ઘરે આવવા લાગી. આ નોટિસના કારણે પરિવારમાં ઝઘડા વધી ગયા હતા અને સંબંધો વધુ બગડ્યા હતા. અંતે દીકરીએ પ્રેમી સાથે મળીને આખા પરિવારનો ખાતમો કરી નાખ્યો.
