સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે હાઈ-લેવલ શાંતિ વાર્તા ચાલી રહી હતી. પરંતુ આ વાટાઘાટોમાં અચાનક મોટો વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચેની આ મહત્વની મીટિંગ અધવચ્ચે જ ખોરવાઈ ગઈ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય હુમલાની ધમકી બાદ ઈરાની પ્રતિનિધિમંડળે રવિવારે મીટિંગ હોલમાંથી બહાર નીકળી (Walkout) ચાલતી પકડી હતી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ધમકીભર્યા માહોલમાં કોઈ વાતચીત થઈ શકે નહીં.
લેબનોન મુદ્દે ઈરાનનું કડક વલણ
ઈરાની પ્રતિનિધિમંડળના સભ્ય મેહદી ગોર્બનઝાદેહે સરકારી મીડિયાને મોટી વિગતો આપી છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી લેબનોનની સ્થિતિનો કોઈ કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા થશે નહીં. જો લેબનોનમાં યુદ્ધ વિરામ નહીં થાય, તો શાંતિ વાર્તા આગળ વધશે નહીં.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી ભીષણ હુમલાની ધમકી
જ્યારે સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ રાઉન્ડની વાતચીત ચાલી રહી હતી, બરાબર તે જ સમયે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી.
ટ્રમ્પે આ પોસ્ટમાં લખ્યું:
“ઈરાને લેબનોનમાં તેના ભારે ફંડિંગવાળા પ્રોક્સી સંગઠનો (હિઝબુલ્લાહ) ને તાત્કાલિક રોકવા પડશે. જો ઈરાન આવું નહીં કરે, તો અમે ઈરાન પર ફરીથી બહુ મોટો સૈન્ય હુમલો કરીશું. આ હુમલો ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા કરાયેલા હુમલા કરતાં પણ વધુ શક્તિશાળી અને ભીષણ હશે.”
હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાનું નિયંત્રણ?
અમેરિકા અને ઈરાન વચ્ચેની પ્રારંભિક ડીલમાં લેબનોનનો પણ સમાવેશ કરાયો હતો. ઈરાનની શરત છતાં ઈઝરાયલે લેબનોન પર હુમલા ચાલુ રાખ્યા છે. આ કારણે ઈરાન ગુસ્સામાં છે અને તેણે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરીથી બંધ કરવાની ચેતવણી આપી છે.
બીજી તરફ, ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો અમેરિકા આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર પોતાનું મિલિટરી નિયંત્રણ મેળવી શકે છે.
યુરેનિયમ એનરિચમેન્ટ અને $6 અબજ ડૉલરનો વિવાદ
શાંતિ વાર્તાની શરૂઆતમાં જ યુરેનિયમ એનરિચમેન્ટના મુદ્દે બંને દેશો સામસામે આવી ગયા હતા.
-
ઈરાનનો પક્ષ: રાષ્ટ્રપ્રમુખ મસુદ પેઝેશકિયાને કહ્યું કે તેઓ પરમાણુ બોમ્બ બનાવવા નથી માંગતા. પરંતુ તેઓ યુરેનિયમ એનરિચ કરવાનો પોતાનો હક પણ નહીં છોડે.
-
અમેરિકાનો પક્ષ: વ્હાઈટ હાઉસ ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા સંપૂર્ણપણે રોકવા માંગે છે.
-
IAEA નો રિપોર્ટ: ઈરાન પાસે હાલ 60% શુદ્ધતા ધરાવતો આશરે 440 કિલોગ્રામ યુરેનિયમનો સ્ટોક છે.
$6 અબજ ડોલરનો દાવો: મીટિંગ તૂટી તે પહેલાં, ઈરાને દાવો કર્યો હતો કે 60-દિવસના કરાર હેઠળ કતારમાં ફ્રીઝ કરાયેલા ઈરાનના 6 અબજ ડોલરનું ફંડ તેહરાનને પરત મળી રહ્યું છે.
પાકિસ્તાને કરી મધ્યસ્થતા
સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક રિસોર્ટ ખાતે ચાલી રહેલી આ બેઠકમાં પાકિસ્તાન મુખ્ય મધ્યસ્થી (Mediator) ની ભૂમિકા ભજવી રહ્યું છે. આ બેઠકમાં પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ હાજર છે. જોકે, ટ્રમ્પના કડક વલણે હાલ આખી શાંતિ પ્રક્રિયા પર સવાલો ઊભા કરી દીધા છે.
