ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ માં ‘ઉષા તાઈ’ (સવિત્તા દેશમુખ) ની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિય થયેલા અભિનેત્રી ઉષા નાડકર્ણી આજે પણ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓ 80 વર્ષના થઈ ચૂક્યા છે અને છેલ્લા 7 દાયકાથી મનોરંજન જગતમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે આ ઉંમરે પણ કામ કરવા પાછળનું કારણ જણાવ્યું છે. આ સાથે જ તેમણે ઉંમરને લઈને ટોણા મારતા અને ટીકા કરતા લોકો પર આકરા પ્રહારો કર્યા છે.
ચોથા ધોરણથી કરી રહ્યા છે એક્ટિંગ
ઉષા નાડકર્ણીએ હાલમાં જ રાજીવ ખંડેલવાલના શો ‘તુમ હો ના- ઘર કી સુપરસ્ટાર’ માં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘હું જ્યારે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી એક્ટિંગ કરું છું. આજે મારી ઉંમર 80 વર્ષની છે અને હું હજુ પણ સતત કામ કરી રહી છું. એક્ટિંગ જ મારું કામ છે અને બાળપણથી જ મને આ ગમતું હતું. જો કે, મારી માતા શિક્ષિકા હોવાથી તેમને મારી એક્ટિંગ ગમતી નહોતી.’
‘લોકો જાય ભાડમાં, આપણને જે ગમે તે કરવાનું’
પોતાની ઉંમર અને કામને લઈને થતી આલોચનાઓ પર ઉષા નાડકર્ણીએ રોકટોક વગર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, ‘મારું સ્પષ્ટ માનવું છે કે લોકો જાય ભાડમાં! તમને જે કરવું ગમે તે તમારે કરવું જ જોઈએ. આપણે ત્યાં જઈને કંઈ ખોટું કામ નથી કરી રહ્યા. આપણે આપણા માતા-પિતાનું નામ ખરાબ નથી કરી રહ્યા. તેથી મગજમાં બસ આ જ વાત હોવી જોઈએ.’ તેમણે આજની પેઢીને પણ બીજાની પરવા કર્યા વગર પોતાના કામ પર ફોકસ કરવાની સલાહ આપી છે.
80ની ઉંમરે પણ આવું છે ડેઈલી શેડ્યૂલ
પોતાની ફિટનેસ અને દિનચર્યા વિશે વાત કરતા ઉષા તાઈએ જણાવ્યું કે, તેઓ સવારે 5 વાગ્યે ઉઠી જાય છે. શૂટિંગ પર જવા માટે તેઓ પોતાનું ટિફિન જાતે જ તૈયાર કરે છે. તેઓ બહારનું ખાવાનું ખાવાને બદલે ઘરની જ રોટલી, શાક, દાળ-ભાત અને છાશ લેવાનું પસંદ કરે છે. તેમણે ઉમેર્યું કે, જો કોઈ વ્યક્તિને એકવાર કામ કરવાની આદત પડી જાય, તો મગજમાં બીજા કોઈ નકામા વિચારો આવતા જ નથી.
