કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક ચોંકાવનારો હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકે તેની પરિચિત યુવતીની નિર્મમ હત્યા કરી નાખી. આટલું જ નહીં, હત્યા કર્યા બાદ આરોપીએ પોતે યુવતીના પરિવારને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. આરોપીએ પરિવારને ધમકી આપતા કહ્યું કે, “મેં તમારી દીકરીને મારી નાખી છે, જે કરવું હોય તે કરી લો.” હાલમાં આ મામલે પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વોટ્સએપ પર મોકલ્યો હતો ફોટો
આ ભયાનક ઘટના શનિવારે સવારે બેંગલુરુના તુલસીનગરમાં બની હતી. મૃતક યુવતીની ઓળખ ૨૨ વર્ષની ભવાની એસ. તરીકે થઈ છે.
મૃતકના પિતા શ્રીનિવાસ એન. (૫૨) દ્વારા બ્યાદારાહલ્લી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, આ ઘટના ૧૩ જૂનની સવારે ૭ થી ૯:૩૦ વાગ્યાની વચ્ચે બની હતી.
પિતાએ પોલીસને જણાવ્યું કે, સવારે આશરે ૭ વાગ્યે તેમની પત્નીએ ફોન કરીને કહ્યું કે ભવાનીએ વોટ્સએપ પર એક છોકરા સાથે પોતાનો ફોટો મોકલ્યો છે. આ ફોટો જોયા બાદ જ્યારે પરિવારે દીકરીને ફોન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો.
ફોન કરીને આપી ધમકી
દીકરીનો ફોન બંધ આવતા પિતાએ ફોટોમાં દેખાતા આરોપી ચંદ્રશેખરને ફોન કર્યો હતો. શરૂઆતમાં ચંદ્રશેખરે ફોન ઉપાડ્યો નહોતો.
પરંતુ થોડીવાર પછી ચંદ્રશેખરે સામેથી ફોન કર્યો અને કહ્યું, “મેં તમારી દીકરીને મારી નાખી છે. તમારે જે કરવું હોય તે કરી લો.” તેણે એવું પણ કહ્યું કે તે પોતે પોલીસને આની જાણ કરશે.
આ સાંભળીને પિતા તુરંત પોલીસને સાથે લઈને સવારે ૯:૩૦ વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં ભવાની લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસ તપાસ શરૂ
શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી છે અને તેની પાછળ અંગત અદાવત હોવાની આશંકા છે. હાલમાં બ્યાદારાહલ્લી પોલીસે BNS ની કલમ ૧૦૩(૧) અને ૨૩Display હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની અલગ-અલગ ટીમો ફરાર ચંદ્રશેખરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
