વિપક્ષી ગઠબંધન ‘INDIA’ ની અંદર ચાલી રહેલો આંતરિક વિખવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. ડાબેરી પક્ષ CPI(M) ના જનરલ સેક્રેટરી એમ. એ. બેબીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે તાજેતરમાં મળેલી ગઠબંધનની બેઠકમાં કોંગ્રેસને ઘેરતા કેટલાક અઘરા સવાલો પૂછ્યા હતા.
પીએમ મોદીને ગળે મળી શકાય તો સાથી પક્ષને કેમ નહીં?
એમ. એ. બેબીએ રાહુલ ગાંધીના જૂના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળી શકે છે. પરંતુ રાજકીય મતભેદોનું બહાનું કાઢીને તેઓ કેરળના પૂર્વ સીએમ પિનારાઈ વિજયનથી અંતર રાખે છે.
લેફ્ટ નેતાએ કોંગ્રેસ દ્વારા CPI(M) અને LDF પર ભાજપ સાથે ‘સીક્રેટ ડીલ’ કરવાના લાગેલા આરોપો સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસે કેમ કરી પિનારાઈ વિજયનની ધરપકડની માંગ?
CPI(M) ના નેતાના જણાવ્યા અનુસાર, કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગઠબંધનના નિયમો તોડ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ વારંવાર ડાબેરીઓ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં સવાલ પૂછ્યો હતો કે કેરળના તત્કાલીન મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી?
એમ. એ. બેબીનું નિવેદન: “અમે ગઠબંધનના વફાદાર સાથી તરીકે કામ કર્યું છે. અમારી લડાઈ હંમેશા RSS અને BJP સામે રહી છે. પરંતુ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ વિજયનને ગળે લગાવી શકે નહીં.”
INDIA ગઠબંધનના પક્ષોને આત્મમંથનની જરૂર
ડાબેરી નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એક જ ગઠબંધનનો હિસ્સો હોવા છતાં રાહુલ ગાંધી પોતાના જ સાથી નેતાની ધરપકડની માંગ કઈ રીતે કરી શકે? ગઠબંધનને મજબૂત રાખવું હોય તો તમામ પક્ષોએ આત્મમંથન અને આત્મ-આલોચના કરવાની જરૂર છે.
નોંધનીય છે કે, ‘INDIA’ ગઠબંધનની આ મહત્વની બેઠક 8 જૂનના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં 25 વિરોધ પક્ષોના આશરે 50 જેટલા નેતાઓ હાજર રહ્યા હતા.
< /p>
