પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યર સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાના પર આવી છે. શ્રેષ્ઠા વ્યવસાયે પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. આઈપીએલ (IPL 2026) દરમિયાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ હવે તેણે વીડિયો શેર કરીને ટ્રોલોર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
‘લો દીધો એક પોઈન્ટ’ વીડિયોથી શરૂ થયો વિવાદ
આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. મેચ રદ્દ થવાથી કોલકાતાને એક પોઈન્ટ મળ્યો હતો. આ પછી શ્રેષ્ઠાએ પંજાબ કિંગ્સની જર્સી પહેરીને એક રિલ પોસ્ટ કરી હતી. વીડિયોમાં તેણે પંજાબી અંદાજમાં કહ્યું હતું, “અમારું દિલ મોટું છે, લો આપ્યો તમને એક પોઈન્ટ.” આ વીડિયો બાદ ફેન્સે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી હતી, જેથી તેણે વીડિયો ડીલીટ કરવો પડ્યો હતો.
ફેમિલી અને ઓફિસના લોકોને ટાર્ગેટ કરાતા ગુસ્સે થઈ શ્રેષ્ઠા
પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા પછી શ્રેષ્ઠાએ બે ભાગમાં વીડિયો જાહેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, “તે વીડિયો માત્ર એક મજાક હતો. મારો ઈરાદો કોઈને ટ્રોલ કરવાનો કે નફરત ફેલાવવાનો નહોતો. મારો ભાઈ પોતે ક્રિકેટર છે, એટલે હું દરેક ક્રિકેટરની ઈજ્જત કરું છું.”
તેણે આગળ ઉમેર્યું કે, “કેટલાક નવરા અને હતાશ લોકો હદ વટાવી રહ્યા છે. તેઓ મારી ઓફિસ (વર્કપ્લેસ) પર ફોન કરીને મને, મારા કલીગ્સ, મારા સ્ટુડન્ટ્સ અને મારા પરિવારને ગાળો આપી રહ્યા છે. ટ્રોલોર્સ દ્વારા પરિવારને ટાર્ગેટ કરવો બિલકુલ યોગ્ય નથી. મારો ભાઈ જીતે કે હારે, હું હંમેશાં તેને સપોર્ટ કરતી રહીશ.”
