Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

IPL 2026: શું હાર્દિક પંડ્યાના હાથમાંથી જશે મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ? કોચ કિરોન પોલાર્ડના નિવેદનથી ઉઠ્યા સવાલો

IPL 2026: શું હાર્દિક પંડ્યાના હાથમાંથી જશે મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ? કોચ કિરોન પોલાર્ડના નિવેદનથી ઉઠ્યા સવાલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) ની સફર ખૂબ જ નિરાશાજનક રહી છે. રવિવારે હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી છેલ્લી લીગ મેચમાં પણ મુંબઈનો ૩૦ રને કારમો પરાજય થયો હતો. આ હાર સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી ઓફિશિયલી બહાર થઈ ગયું છે. આ શરમજનક પ્રદર્શન બાદ હવે સુકાની હાર્દિક પંડ્યા ની કેપ્ટનશીપ પર ગંભીર સવાલો ઉભા થયા છે. મેચ બાદ ટીમની બેટિંગ કોચ કિરોન પોલાર્ડે જે નિવેદન આપ્યું છે, તેનાથી હાર્દિકના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે.

હાર્દિકે આશા પૂરી ન કરી: કિરોન પોલાર્ડ

રાજસ્થાન સામેની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં કિરોન પોલાર્ડે સ્વીકાર્યું કે હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઈઝીની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી. પોલાર્ડે જણાવ્યું કે, “લીડરશિપના દ્રષ્ટિકોણથી જોઈએ તો, હા, આ સીઝન હાર્દિક માટે એટલી સારી નથી રહી જેટલી તે એક વ્યક્તિ તરીકે ઈચ્છતો હતો. મેનેજમેન્ટ સ્ટાફ તરીકે અમે જે ઈચ્છતા હતા, કદાચ એવું પણ નથી થયું.”

પોલાર્ડે વધુમાં ઉમેર્યું કે, “અમે હાર્દિકને ફ્રેન્ચાઈઝીને લીડ કરવાની અને સારું પ્રદર્શન કરવાની પૂરેપૂરી તક આપી હતી. આ માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આ માત્ર કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ આખા મુંબઈ ઇન્ડિયન્સ ગ્રુપની સંયુક્ત નિષ્ફળતા છે.”

આગામી સીઝન પહેલા મુંબઈ ઇન્ડિયન્સમાં થશે મોટા ફેરફાર?

જ્યારે પોલાર્ડને પૂછવામાં આવ્યું કે શું ટીમમાં સિનિયર ખેલાડીઓ વધારે છે અને ટીમને ફરીથી રીબૂટ (મોટા ફેરફાર) કરવાની જરૂર છે? ત્યારે તેમણે કહ્યું કે અત્યારે આ અંગે વાત કરવાનો યોગ્ય સમય નથી.

પોલાર્ડે સ્પષ્ટ કર્યું કે, “અત્યારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો એ મેનેજમેન્ટની દ્રષ્ટિએ ગેરજવાબદાર ગણાશે. હાર બાદ અત્યારે લેવાયેલા નિર્ણયો ઈમોશનલ હોઈ શકે છે. અમારે શાંતિથી બેસીને વિચારવું પડશે કે અમારાથી ભૂલ ક્યાં થઈ. આશા છે કે આગામી ૧૨ મહિનામાં ટીમ વધુ મજબૂત બનીને વાપસી કરશે.”

કિરોન પોલાર્ડના આ નિવેદનથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે આગામી સીઝન પહેલા મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ સહિત ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

શ્રેયસ અય્યરે કરવી પડશે બમણી મહેનત: કપ્તાની જ નહીં, બેટિંગ પર પણ ઉઠ્યા સેંકડો સવાલો!

praxpatel

IPL 2026 પહેલા KKR ને મોટો ઝટકો: સ્ટાર બોલર હર્ષિત રાણા કાખઘોડીના સહારે જોવા મળ્યો!

praxpatel

LA 2028 Olympics: ક્રિકેટના ક્વોલિફિકેશન નિયમો જાહેર, ભારતીય મહિલા ટીમની સીધી એન્ટ્રી

praxpatel