Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર

6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર

ન્યાય મળવામાં મોડું ભલે થયું, પણ આખરે સત્યની જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2001ના એક ભયાનક હાઈવે અકસ્માત મામલે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પીડિત પરિવારને બમણું વળતર આપવાનો આદેશ કર્યો છે.

ગોંડલ ટ્રિબ્યુનલ કોર્ટે અગાઉ મંજૂર કરેલી રકમને હાઈકોર્ટે સીધી ડબલ કરી દીધી છે. અકસ્માત બાદ ભોગ બનનાર વ્યક્તિ સતત 6 વર્ષ સુધી કોમામાં રહી હતી. ત્યારબાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હાઈકોર્ટે વીમા કંપનીની આકરી ઝાટકણી કાઢીને વ્યાજ સાથે ચૂકવણી કરવા જણાવ્યું છે.

શું હતો સમગ્ર મામલો?

આ દર્દનાક ઘટના વર્ષ 2001માં શરૂ થઈ હતી. 19 માર્ચ 2001ના રોજ ગોંડલના ભગવાનજીભાઈ ભૂતાણી (ઉંમર 45 વર્ષ) પોતાના બાઇક પર જઈ રહ્યા હતા. તેઓ માર્કેટ યાર્ડમાંથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવતા હતા.

નેશનલ હાઈવે પર એક પૂરપાટ ઝડપે આવતા મેટાડોરે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક મેટાડોરના વ્હીલ વચ્ચે આશરે 15 ફૂટ સુધી ઢસડાયું હતું.

ભગવાનજીભાઈ 6 વર્ષ સુધી કોમામાં રહ્યા

આ અકસ્માતમાં ભગવાનજીભાઈને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ થઇ હતી. પહેલા ગોંડલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં તેમની લાંબી સારવાર ચાલી. પરંતુ તેઓ ક્યારેય સાજા ન થઈ શક્યા.

તેઓ આખી જિંદગી પથારીવશ અને કોમામાં જ રહ્યા. આખરે 2 મે 2006ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. પૉસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બ્રેઈન ઈન્જરીના કારણે હાર્ટ ફેલ થવાથી તેમનું મોત થયું હતું.

25 વર્ષ સુધી ચાલી લાંબી કાનૂની લડાઈ

વર્ષ 2001માં ભગવાનજીભાઈના પત્ની ચંપાબેન અને તેમના પુત્રએ વળતર માટે ક્લેમ પિટિશન દાખલ કરી હતી.

  • વર્ષ 2014 (13 વર્ષ પછી): ગોંડલ ક્લેમ ટ્રિબ્યુનલે 5.13 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું. જો કે, કોર્ટે મૃતકની 10% બેદરકારી ગણીને રકમ કાપી લીધી હતી.

  • વર્ષ 2026 (11 વર્ષ પછી): પરિવાર આ ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો. લાંબી રાહ જોયા બાદ જસ્ટિસ નિશા ઠાકોરે પરિવારની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો.

હાઈકોર્ટે વીમા કંપનીની દલીલો ફગાવી

વીમા કંપનીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે અકસ્માત હાઈવે પર થયો હતો, તેથી મૃતકે ધ્યાન રાખવું જોઈતું હતું. ટ્રિબ્યુનલે આપેલું વળતર યોગ્ય છે.

“વીમા કંપની પાસે એવો કોઈ પુરાવો નથી જે સાબિત કરે કે મૃતક બેદરકારીપૂર્વક બાઇક ચલાવતા હતા. બાઇક 15 ફૂટ સુધી ઢસડાઈ તે જ દર્શાવે છે કે મેટાડોરની સ્પીડ ખુબ વધારે હતી.” – ગુજરાત હાઈકોર્ટ

કોર્ટે મૃતકની 10% ભૂલ ગણવાના ટ્રિબ્યુનલના નિર્ણયને ખોટો ગણાવ્યો અને મેટાડોર ચાલકને જ સંપૂર્ણ દોષિત માન્યો.

પરિવારને હવે કુલ કેટલું વળતર મળશે?

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસને માત્ર ઈજાનો કેસ ન ગણી શકાય. ઇજાના કારણે જ મોત થયું હોવાથી આ જીવલેણ અકસ્માતનો કેસ છે. ભગવાનજીભાઈ 6 વર્ષ સુધી વેજિટેટિવ (કોમા) હાલતમાં રહ્યા હોવાથી કોર્ટે ફક્ત પીડા અને વેદનાના હેડ હેઠળ 3 લાખ રૂપિયા મંજૂર કર્યા.

હાઈકોર્ટે ટ્રિબ્યુનલના વળતરમાં 6.99 લાખ રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારાની રકમ અરજી કર્યાની તારીખથી 7.5% વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. હવે પરિવારને મળવાપાત્ર કુલ વળતરની રકમ 12.12 લાખ રૂપિયા થઈ ગઈ છે. હાઈકોર્ટે વીમા કંપનીને આગામી 6 અઠવાડિયામાં આ રકમ જમા કરાવવાનો કડક આદેશ આપ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાનના સુપ્રીમ લીડરની અમેરિકાને ખુલ્લી ચેતવણી: ‘અમેરિકી સૈન્ય મથકો તો કાગળના વાઘ છે’

praxpatel

દરિયામાં વિમાન ખાબક્યું: 11 મુસાફરો 5 કલાક સુધી મોતના મુખમાં રહ્યા, પછી જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું નથી

praxpatel

કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ: બાંદીપોરા માં વાદળ ફાટતા પૂર, લોકો ઘર છોડી ભાગ્યા

praxpatel