યુએસએ: યુએસ એફબીઆઈએ કેલિફોર્નિયાના આર્કેડિયાના મેયર ઈલીન વાંગ પર ચીન માટે ગેરકાયદેસર એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો છે. વાંગ સામે ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એફબીઆઈના જણાવ્યા અનુસાર, આઈલીન વાંગે 2020 થી 2022 દરમિયાન ચીની સરકારી અધિકારીઓના નિર્દેશન હેઠળ કામ કર્યું હતું અને યુએસમાં ચીનના હિતોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. વાંગ વિશેના આ ખુલાસાથી યુએસ વહીવટીતંત્રને આઘાત લાગ્યો છે.
અમેરિકાની સુરક્ષા એજન્સી FBIએ એક મોટો પર્દાફાશ કર્યો છે. કેલિફોર્નિયાના આર્કેડિયા શહેરના મેયર ઈલીન વાંગ ચીન માટે જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટસ્ફોટ બાદ મેયર વાંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
કેવી રીતે કરતી હતી જાસૂસી?
FBIના રિપોર્ટ મુજબ, ઈલીન વાંગ વર્ષ 2020 થી 2022 દરમિયાન ચીની સરકારના સંપર્કમાં હતી. તેમણે અમેરિકામાં ચીનનો પ્રચાર (Propaganda) કરવા માટે ‘US News Center’ નામની વેબસાઈટનો ઉપયોગ કર્યો હતો. આ પ્લેટફોર્મ પર ચીની અધિકારીઓના ઈશારે લેખ પ્રકાશિત કરવામાં આવતા હતા જેથી અમેરિકાના લોકતંત્રને પ્રભાવિત કરી શકાય.
ગુનો સ્વીકાર્યો અને પદ છોડ્યું
58 વર્ષીય ઈલીન વાંગે ફેડરલ કોર્ટમાં પોતાના પર લાગેલા આરોપો સ્વીકારી લીધા છે. તેમણે સોમવારે કોર્ટમાં હાજર થઈને મેયર અને સિટી કાઉન્સિલ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ ગુના બદલ તેમને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.
અમેરિકા માટે ચિંતાનો વિષય
અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, ચીની અધિકારીઓ ‘વીચેટ’ એપ દ્વારા વાંગને સૂચનાઓ મોકલતા હતા. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, કોઈ વિદેશી એજન્ટ જાહેર પદ સુધી પહોંચી જાય તે લોકશાહી માટે અત્યંત જોખમી છે. FBIએ આ કાર્યવાહીને ચીની પ્રભાવ સામેની મોટી સફળતા ગણાવી છે.
