તમિલનાડુના નવા મુખ્યમંત્રી, થલાપતિ વિજયે પદ સંભાળતા જ કડક નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી વિજયે પૂજા સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેશનોથી 500 મીટરની અંદર આવેલી 717 દારૂની દુકાનો બે અઠવાડિયામાં બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. સીએમ વિજય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.તમિલનાડુના નવા મુખ્યમંત્રી જોસેફ વિજયે (થલાપતિ વિજય) પદ સંભાળતાની સાથે જ સપાટો બોલાવ્યો છે. જનહિતમાં મોટો નિર્ણય લેતા તેમણે રાજ્યમાં સેંકડો દારૂની દુકાનો કાયમી ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
કેટલી દારૂની દુકાનો બંધ રહેશે?
તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે રાજ્યમાં પૂજા સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડથી 500 મીટરની અંદર આવેલી દુકાનોનું નિરીક્ષણ અને ઓળખ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર, આ શ્રેણીમાં 717 છૂટક દુકાનો કાર્યરત મળી આવી હતી. આમાં પૂજા સ્થળોની નજીક આવેલી 276 દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી 186 દુકાનો અને બસ સ્ટેન્ડની નજીક આવેલી 255 દુકાનોનો સમાવેશ થાય છે.
જાહેર થયેલી માહિતી અનુસાર, તમિલનાડુ સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (TASMAC) હાલમાં 4,765 છૂટક દારૂની દુકાનો ચલાવે છે. આમાંથી, પૂજા સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડથી 500 મીટરની અંદર આવેલી 717 દુકાનો બંધ રહેશે.
