અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી જ્યારે પણ પડદા પર પાછી ફરે છે, ત્યારે ચાહકોને ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભૂલૈયા’ જેવા હાસ્યના પૂરની આશા હોય છે. ‘ભૂત બંગલા’ રિલીઝ તો થઈ, અક્ષયની કોમેડી ટાઈમિંગ પર તાળીઓ પણ પડી, પણ ફિલ્મ પૂરી થતા એક ખાલીપો રહી જાય છે. આ ખાલીપો છે— નીરજ વોરા નો.
કોમેડીના અસલી ‘શહેનશાહ’ નીરજ વોરા ની ખોટ
ફિલ્મ જોતી વખતે વારંવાર અહેસાસ થાય છે કે કંઈક મોટું મિસિંગ છે. નીરજ વોરા માત્ર એક લેખક કે અભિનેતા નહોતા, પણ કોમેડીના એ વ્યાકરણના રચયિતા હતા જેને પ્રિયદર્શને પડદા પર ઉતાર્યું. ‘હેરા ફેરી’, ‘ભૂલ ભૂલૈયા’ અને ‘ગરમ મસાલા’ જેવી ફિલ્મોના સંવાદો અને સ્ક્રીનપ્લે લખીને તેમણે ભારતીય સિનેમાની દિશા બદલી નાખી હતી.
જો નીરજ વોરાએ સ્ક્રીનપ્લે લખ્યો હોત તો શું બદલાત?
‘ભૂત બંગલા’ ની સૌથી મોટી નબળાઈ તેનો વિખરાયેલો સ્ક્રીનપ્લે છે. જો આજે નીરજ વોરા હોત તો:
-
પરફેક્ટ બેલેન્સ: તેઓ હોરર અને કોમેડી વચ્ચે એવું સંતુલન રાખતા કે ડરની વચ્ચે પણ હાસ્યનો તડકો ફિક્કો ન પડત.
-
તાર્કિક વાર્તા: ‘ભૂલ ભૂલૈયા’ માં જે રીતે અંધવિશ્વાસ અને મનોવિજ્ઞાનને જોડ્યું હતું, તેવી જ જાદુઈ કલમ અહીં જોવા મળી હોત.
-
યાદગાર પાત્રો: રાજપાલ યાદવ અને પરેશ રાવલ જેવા કલાકારોને તેઓ માત્ર પાત્રો નહીં પણ ‘મીમ-મટીરિયલ’ બનાવી દેતા.
ક્યારે થયું હતું નીરજ વોરાનું નિધન?
બહુમુખી પ્રતિભા ધરાવતા નીરજ વોરાનું નિધન 14 ડિસેમ્બર 2017 ના રોજ થયું હતું. 2016 માં તેમને બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેઓ 13 મહિના સુધી કોમામાં રહ્યા હતા. તેમના મિત્ર ફિરોઝ નાડિયાડવાલાએ તેમના ઘરના એક ભાગને હોસ્પિટલમાં ફેરવીને તેમની સેવા કરી હતી, પરંતુ અંતે મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોરના કારણે તેમણે દુનિયા છોડી દીધી.
કલ્ટ ક્લાસિક બનતા રહી ગઈ ફિલ્મ
પ્રિયદર્શને પૂરો પ્રયાસ કર્યો અને અક્ષયે પણ પોતાની જાન લગાવી દીધી, છતાં ‘ભૂત બંગલા’ તે મુકામ ન મેળવી શકી જે ‘ભૂલ ભૂલૈયા’ એ મેળવ્યો હતો. નીરજ વોરાનું અકાળે જવું એ ફિલ્મ જગત માટે એવો ઘા છે જે આજે પણ રૂઝાયો નથી. હકીકત એ છે કે ફિલ્મને ‘હિટ’ એક્ટર બનાવી શકે છે, પણ તેને ‘અમર’ માત્ર એક મહાન લેખક જ બનાવી શકે છે.
