ઉનાળાની ગરમીમાં દહીં શરીરને ઠંડક આપે છે અને પાચનતંત્ર પણ મજબૂત બનાવે છે. પરંતુ ગરમી વધતા જ દહીં જલ્દી ખાટું થઈ જવાની સમસ્યા ઉભી થાય છે. દૂધમાં રહેલા બેક્ટેરિયા લેક્ટોઝને લેક્ટિક એસિડમાં ફેરવે છે, જે ઉનાળામાં આ પ્રક્રિયા ઝડપી બને છે. જો તમે ઈચ્છો છો કે તમારું દહીંબજાર જેવું મીઠું અને ઘટ્ટ રહે, તો આ ટિપ્સ ચોક્કસ ટ્રાય કરો.
દહીં જમાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
-
દૂધની ગુણવત્તા: હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા દૂધનો ઉપયોગ કરો. એક્સપાયરી ડેટની નજીક હોય તેવા દૂધમાં બેક્ટેરિયા વધુ હોય છે, જે દહીંને જલ્દી બગાડી શકે છે.
-
તાપમાન: દૂધને બરાબર ઉકાળ્યા પછી તે હળવું નવશેકું (Lukewarm) હોય ત્યારે જ તેમાં મેળવણ (સ્ટાર્ટર) ઉમેરો.
-
ખાંડનો જાદુ: જો તમે ઈચ્છો છો કે દહીંલાંબા સમય સુધી ખાટું ન થાય, તો દૂધમાં મેળવણ ઉમેરતા પહેલા એક ચમચી ખાંડ ઉમેરી દો. આનાથી બેક્ટેરિયાનું સંતુલન જળવાય છે અને સ્વાદ પણ જળવાઈ રહે છે.
સ્વચ્છતા અને સ્ટોરેજની ટિપ્સ
-
સ્વચ્છ વાસણ: દહીં જમાવવા માટે વાસણ એકદમ સાફ અને કોરું હોવું જોઈએ. સહેજ પણ ગંદકી દહીંના ટેક્સચરને ખરાબ કરી શકે છે.
-
યોગ્ય જગ્યા: દહીંને સીધા સૂર્યપ્રકાશ કે ગરમ જગ્યાએ ન રાખો. જો રસોડું વધુ ગરમ હોય તો ઘરના કોઈ ઠંડા ખૂણામાં દહીં જમાવો.
-
ફ્રીજનો ઉપયોગ: દહીં જામી જાય એટલે તરત જ તેને ફ્રીજમાં મૂકી દો. ઠંડુ તાપમાન બેક્ટેરિયાની પ્રક્રિયાને ધીમી કરી દે છે, જેથી તે ખાટું થતું નથી.
-
એરટાઈટ કન્ટેનર: દહીંને હંમેશા એરટાઈટ ડબ્બામાં રાખો જેથી બહારની ગંધ તેમાં ન ભળે.
કેવું મેળવણ વાપરવું?
હંમેશા તાજા દહીંનું જ મેળવણ વાપરો. જો મેળવણ પોતે જ ખાટું હશે, તો નવું દહીં પણ ખાટું જ જામશે.
