રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં કથિત દબાણો દૂર કરવા સોમવારે એક મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી અને 1500થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.
રાજકોટ શહેરમાં આજી અને ખોખડદડી નદીઓના કાંઠે આવેલી એકતા કૉલોની, જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, સૂર્યોદ સોસાયટી અને નાળોદાનગર વગેરે સોસાયટીઓમાં 1509 મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયાં.
રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે આ મકાનો આજી નદીના તટ અને કિનારા પર તેમ જ આ વિસ્તારના વિકાસ માટે 1995માં બનાવાયેલી રાજકોટ ટાઉન પ્લાંનિંગ સ્કીમ નંબર-6 અંતર્ગત આવેલા ટીપી રોડ પરનાં દબાણો હટાવાયાં હતાં.
મહાનગરપાલિકા અનુસાર નદીમાં આવતા પૂરથી લોકોને બચાવવા તેમ જ આ વિસ્તારમાં આવનજાવન સરળ બનાવવા તેમને તોડી પાડવાં જરૂરી હતાં.
ડિમોલિશન બુધવાર સવાર સુધી ચાલ્યું અને તોડવામાં આવેલાં મકાનોમાંથી મોટાભાગનાં રહેણાક મકાનો હતાં. પરંતુ આમાં કેટલીય દુકાનો પણ હતી.
ડિમોલિશન ડ્રાઇવમાં કેટલાય પરિવારોએ મકાન અને દુકાન બંને ગુમાવ્યા છે તો કેટલાકે દુકાન કે મકાન ગુમાવ્યા છે.
વળી રેકડીઓ પર લાદી વિવિધ વસ્તુઓ વેચતા ફેરિયાઓ ફરિયાદ કરે છે કે ડિમોલિશનના કારણે હજારો લોકો આ વિસ્તારમાંથી વિસ્થાપિત થયા છે તેને પરિણામે તેમનો ધંધો પણ ભાંગી ગયો છે.
બારણાં વગરની દુકાનની ચોકીદારી કરતા પિતા–પુત્રને શેની ચિંતા છે?
જેસીબી અને હિટાચી મશીનો, ટ્રૉલી અને ડમ્પર ટ્રકની મદદથી આ કામ પૂરું કરવામાં આવી રહ્યું હતું.
બીજી તરફ કાટમાળ ભરવાની ડમરી વચ્ચે વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયેલા મામદભાઈ મસાકપુત્રા અને તેમના દીકરા તૌસીફ તેમની અડધી કપાઈ ગયેલી દુકાન આગળથી હટવાનું નામ લેતા ન હતા.
શુક્રવાર (21 ફેબ્રુઆરી) સુધી તેમની દુકાન “દાતાર ડેરી” તરીકે ઓળખાતી હતી. ત્યાં દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓ લેવા માટે ગ્રાહકોની લાઇનો રહેતી.
હવે અહીં રોલર શટર, કેટલાંક વાસણો, ડેરીની મશીનરી એને તેને ઢાંકવા માટે બાંધેલી તાડપત્રી વીંટળાયેલાં પડ્યાં હતાં.
દુકાન સામે જ્યાં ગ્રાહકોની લાઇનો લાગતી હતી ત્યાં હવે દીવાલની ઈંટોના ટુકડા અને છતનું કૉન્ક્રીટ અને સળિયાનો કાટમાળ પડ્યો હતો.
બીબીસીએ મામદભાઈએ કહ્યું, “હું 45 વર્ષથી અહીં ડેરી ચલાવતો હતો. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ શુક્રવારે અમારી ડેરીએ આવ્યા અને અમને કહ્યું કે સોમવારે અમારી દુકાન પાડી નાખવામાં આવશે.”
“તે જ દિવસે અધિકારીઓ જંગલેશ્વર શેરી નંબર-29માં આવેલા મારા ઘરે પણ આવ્યા અને જાણ કરી કે તે ઘરને પણ સોમવારે તોડી નાખવામાં આવશે.”
“બે દિવસમાં અમે બધું કેમ ફેરવી શકીએ? એક બાજુ રહેવા માટે ભાડાનું ઘર શોધવાનું હતું અને બીજી બાજુ ડેરીનો માલ અને ફ્રિજ મૂકવાની જગ્યા શોધવાની હતી.”
“મોટું ફ્રિજ મૂકવા માટે તો એક શેડ ભાડે મળી ગયો પણ આ નાનાં ફ્રિજ અને વાસણ રાખવા માટે ક્યાંય જગ્યા મળી નહીં. તેથી, અમે આ ફ્રિજ અને વાસણને અહીં જ ઢાંકી દીધાં અને જાતે જ અડધી દુકાન પાડી દીધી.”
