Supreme Court : ઓનલાઇન જોખમો અને સાયબર ક્રાઇમથી સુરક્ષાના નામે બાળકોને ઇન્ટરનેટની દુનિયાથી સંપૂર્ણપણે અળગા ન કરી શકાય. દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયના નાગરિકોની જેમ જ બાળકોને પણ ઇન્ટરનેટ વાપરવાનો મૌલિક અધિકાર (Fundamental Right) છે. બાળકની ઉંમર ગમે તે હોય, તેને આ અધિકારથી વંચિત રાખી શકાય નહીં.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. ચંદ્રનની ખંડપીઠે બાળ જાતીય શોષણ સામગ્રી (CSEAM) ની ઓળખ અને તેને હટાવવા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આ ઐતિહાસિક આદેશ આપ્યો હતો. અદાલતે નોંધ્યું કે સુરક્ષાના બહાને ઇન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી બાળકોની સ્વતંત્રતા, ગોપનીયતા અને શોષણ સામે અવાજ ઉઠાવવાની ક્ષમતા પર વિપરીત અસર પડી શકે છે.
અનુચ્છેદ ૨૧ અને ૧૯(૧)(a) સાથે જોડાયેલો છે ઇન્ટરનેટનો અધિકાર
સર્વોચ્ચ અદાલતે બંધારણીય જોગવાઈઓનો હવાલો આપતાં સ્પષ્ટ કર્યું:
-
સ્વતંત્રતા અને સુરક્ષા બંને જરૂરી: અદાલતે જણાવ્યું કે બાળકોની ડિજિટલ સુરક્ષા અને તેમની સ્વતંત્રતા એકબીજાના વિરોધી નથી, બાળકો બંને મેળવવા માટે હકદાર છે.
-
બંધારણીય રક્ષણ: ઇન્ટરનેટ મેળવવાનો અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ (જીવન અને અંગત સ્વાતંત્ર્યનો અધિકાર) અને અનુચ્છેદ ૧૯(૧)(a) (વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા) સાથે સીધો જોડાયેલો છે.
-
શિક્ષણનું એકમાત્ર માધ્યમ: આજના યુગમાં ઇન્ટરનેટ માત્ર મનોરંજન નહીં, પરંતુ શિક્ષણ, માહિતી અને સામાજિક જોડાણનું અભિન્ન અંગ બની ગયું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો તેમજ વિશેષ જરૂરિયાતો ધરાવતા (દિવ્યાંગ) બાળકો માટે નવું શીખવા અને સહકાર મેળવવા માટે ઇન્ટરનેટ એકમાત્ર સક્ષમ માધ્યમ સાબિત થાય છે.
સંપૂર્ણ પ્રતિબંધથી ઊલટું જોખમ વધવાની ભીતિ
સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ ગંભીર પરિણામો આવી શકે છે:
-
વધુ જોખમી પ્લેટફોર્મ્સ તરફ વળશે: કાયદાકીય પ્રતિબંધ મૂકવાથી બાળકો ઇન્ટરનેટ વાપરવાનું બંધ નહીં કરે, પરંતુ તેઓ એવા અસુરક્ષિત અને અનિયંત્રિત પ્લેટફોર્મ કે ડાર્ક વેબ તરફ વળી શકે છે જ્યાં દેખરેખ ઓછી અને ખતરો ઘણો વધારે હોય છે.
-
ફરિયાદ કરવામાં ડરશે: જો બાળકોના મનમાં એવો ભય પેદા થાય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા બદલ તેમને જ સજા થશે, તો તેઓ ઓનલાઇન બ્લુમિંગ કે શોષણનો ભોગ બન્યા બાદ માતા-પિતા કે પોલીસને જાણ કરતાં ડરશે, જેનાથી ‘પોક્સો એક્ટ’ (POCSO Act) નો મૂળ હેતુ જ નબળો પડશે.
-
નુકસાન પહોંચાડનારા સામે કાર્યવાહી થવી જોઈએ: પીઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઓનલાઇન સુરક્ષાની તમામ જવાબદારી માસૂમ બાળકો પર ન ઢોળી શકાય. પ્રતિબંધ બાળકો પર મૂકવાને બદલે હાનિકારક સામગ્રી બનાવનારા અને ફેલાવનારા ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.
ગોપનીયતાનું જોખમ અને સોશિયલ મીડિયા માટે ‘ચાઈલ્ડ મોડ’નું સૂચન
ઉંમરના આધારે કડક ચકાસણી કરવાથી ડેટા લીક થવાનું જોખમ રહે છે. તેથી કોર્ટે પૂર્ણ પ્રતિબંધને બદલે વાલીઓની દેખરેખ અને ટેકનિકલ સુરક્ષા માળખું ઘડવા સૂચવ્યું:
-
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ડિફોલ્ટ ‘ચાઇલ્ડ મોડ’ (Child Mode) ની વ્યવસ્થા ઊભી કરવી, જેથી બાળકોના એકાઉન્ટ આપોઆપ પ્રાઇવેટ રહે.
-
અજાણ્યા વયસ્કો તરફથી આવતા મેસેજ અને સંપર્કો પર આપોઆપ રોક લાગવી જોઈએ.
-
બાળકોને પીરસાતી સામગ્રી અને જાહેરાતોનું કડક નિયમન થવું જોઈએ.
-
આ વ્યવસ્થાના અમલીકરણની સંપૂર્ણ જવાબદારી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર છોડી છે.
ડિજિટલ સુરક્ષા સાથે સેક્સ એજ્યુકેશન પણ અનિવાર્ય
અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર સોફ્ટવેર કે નિયમોથી બાળકોને સુરક્ષિત નહીં રાખી શકાય. બાળકોને યોગ્ય ઉંમરે સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ (Good Touch & Bad Touch), સહમતિ (Consent), ઓનલાઇન પ્રાઇવસી અને સાયબર બ્લેકમેઇલિંગ સામે તાત્કાલિક મદદ કેવી રીતે માંગવી તેનું ડિજિટલ શિક્ષણ આપવું અનિવાર્ય છે.
નોંધનીય છે કે, ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠ સમક્ષ પણ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર ઉંમર આધારિત નિયમો ઘડવા માટેની એક જાહેર હિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર અને બાળ અધિકાર પંચને નોટિસ પાઠવવામાં આવી છે.
