Gujarat Heatwave : અમદાવાદ, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આસો માસ દરમિયાન પણ ઉનાળા જેવો આકરો તાપ અને અસહ્ય ઉકળાટ યથાવત્ રહ્યો છે. આકાશમાંથી વાદળોનું પ્રમાણ સાવ ઘટી જતાં બપોરના સમયે સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણો (Ultra Violet Rays) નું સ્તર ખતરનાક હદે વધી ગયું છે. આ ઉપરાંત, નવરાત્રિ પર્વ દરમિયાન માર્ગો પર વધેલી વાહનોની અવરજવર અને સૂકા હવામાનના કારણે વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવામાન વિભાગના સંકેતો મુજબ આગામી પાંચ દિવસ સુધી ગરમીમાંથી કોઈ મોટી રાહત મળવાના સંકેત નથી.
રાજકોટમાં પારો ૪૦.૧ ડિગ્રીને પાર: ૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચો રહ્યો છે:
-
રાજકોટ સૌથી હોટ: રાજકોટ ૪૦.૧ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જે સામાન્ય કરતાં ૩.૯ ડિગ્રી વધુ છે. છેલ્લા છ વર્ષમાં ઓક્ટોબર માસ દરમિયાન રાજકોટમાં નોંધાયેલું આ સૌથી ઊંચું તાપમાન છે.
-
અમદાવાદની સ્થિતિ: અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮.૧ ડિગ્રી (સામાન્યથી ૨.૨ ડિગ્રી વધારે) નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રીને વટાવી જતાં સામાન્યથી આશરે ચાર ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. આગામી ત્રણ દિવસ સુધી શહેરમાં પારો ૩૮ ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે.
-
અન્ય શહેરોનું તાપમાન: ભુજમાં ૩૯.૪, અમરેલીમાં ૩૮.૩, ડીસામાં ૩૭.૬, વડોદરા અને ભાવનગરમાં ૩૭.૨, સુરતમાં ૩૭ તેમજ ગાંધીનગરમાં ૩૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
UV ઇન્ડેક્સ ૧૧ સુધી પહોંચતાં ગંભીર સ્વાસ્થ્ય જોખમ
રાજ્યમાં વાદળોનું આવરણ માત્ર ૦ થી ૪ ટકા રહેવા અને તાપમાન ઊંચું રહેવાને કારણે મધ્યાહ્ને UV કિરણોનો મારો વધી રહ્યો છે:
-
ખતરનાક શ્રેણી: રાજકોટ સહિતના વિસ્તારોમાં UV ઇન્ડેક્સ સામાન્ય રીતે ૭ થી ૯ વચ્ચે રહ્યો છે, જ્યારે કેટલાક સેન્સર્સ પર આ આંકડો ૧૧ સુધી પહોંચી ગયો છે. ૧૧ કે તેથી વધુનો UV ઇન્ડેક્સ મેડિકલ પરિભાષામાં અત્યંત ઊંચા જોખમની કેટેગરીમાં આવે છે.
-
શરીર પર આડઅસર: પારજાંબલી કિરણો નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ તેના સીધા સંપર્કથી ત્વચા પર કરચલીઓ, કાળા ડાઘ અને ચામડીના કોષોના DNAને નુકસાન થવાથી સ્કિન કેન્સરનું જોખમ રહે છે. આ ઉપરાંત આંખના કોર્નિયા અને રેટિનાને પણ ગંભીર નુકસાન થઈ શકે છે.
નવરાત્રિના તહેવારોમાં વાયુ પ્રદૂષણમાં વધારો (AQI એલર્ટ)
ગરમીની સાથે મોટા શહેરોમાં વાયુ ગુણવત્તા પણ કથળી છે:
-
રાત્રિના સમયે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) અમદાવાદમાં ૧૩૧, સુરતમાં ૧૪૩, વડોદરામાં ૧૧૧ અને રાજકોટમાં ૧૦૧ થી ૧૩૯ વચ્ચે નોંધાયો હતો.
-
હવામાં રહેલા PM 2.5 અને PM 10 જેવા ઝેરી રજકણો શ્વાસ મારફતે ફેફસાં સુધી પહોંચીને શ્વસનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
કાળઝાળ તડકા અને UV કિરણોથી બચવા શું સાવચેતી રાખવી?
-
UV કિરણોનો પ્રભાવ સૌથી વધુ હોય તેવા બપોરે ૧૧ થી ૩ વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે સીધા તડકામાં બહાર નીકળવાનું ટાળવું.
-
બહાર નીકળવું અનિવાર્ય હોય તો શરીર પૂરેપૂરું ઢંકાય તેવા સુતરાઉ કપડાં પહેરવા, મોં અને માથું સ્કાર્ફ કે ટોપીથી ઢાંકવું તેમજ છત્રીનો ઉપયોગ કરવો.
-
આંખોના રક્ષણ માટે સારી ગુણવત્તાવાળા UV-પ્રોટેક્ટેડ સનગ્લાસિસ પહેરવા હિતાવહ છે.
