વર્ષ ૨૧૦૦ સુધીમાં પૃથ્વી પરથી માનવ જાતિનું અસ્તિત્વ ભૂંસાઈ શકે છે? વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’ (The Lancet) ના એક તાજા વૈશ્વિક અહેવાલે સમગ્ર દુનિયાને વિચારતી કરી મૂકી છે. આ સદીના અંત સુધીમાં માનવ અસ્તિત્વ સામે આવી રહેલા સૌથી ગંભીર વૈશ્વિક જોખમોનું મૂલ્યાંકન કરતાં રિસર્ચર્સે ચેતવણી આપી છે કે આગામી ૭૩ વર્ષોમાં માનવજાત સામે લુપ્ત થવાના વિનાશકારી જોખમો તોળાઈ રહ્યા છે.
આ રિપોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગ અને પરમાણુ યુદ્ધને માનવતા માટે સૌથી ઉચ્ચ સ્તરના ખતરા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, સાથે અન્ય ૧૭ મોટા જોખમોની યાદી પણ રજૂ કરવામાં આવી છે.
કોણે અને કેવી રીતે તૈયાર કર્યો આ રિપોર્ટ?
આ ગંભીર અભ્યાસ ‘ધ લેન્સેટ કમિશન ઓન ૨૧સ્ટ સેન્ચુરી ગ્લોબલ થ્રેટ્સ ટુ હેલ્થ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે:
-
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ: વિશ્વભરના આરોગ્ય, વિજ્ઞાન અને ગ્લોબલ પોલિસી સાથે સંકળાયેલા ૩૫ અગ્રણી વિજ્ઞાનીઓ અને પોલિસી મેકર્સે આ વિશ્લેષણ તૈયાર કર્યું છે.
-
નેતૃત્વ: વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રો. ક્રિસ્ટોફર મરે, સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા ભંડોળ (UNFPA) ના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નતાલિયા કાનેમ અને યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) ના પ્રો. ઇબ્રાહિમ અબુબકર જેવા વૈશ્વિક નિષ્ણાતોએ આ કમિશનનું નેતૃત્વ કર્યું છે.
-
મૂળભૂત તારણ: નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે જોકે માનવજાત સંપૂર્ણપણે લુપ્ત થવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે, પરંતુ જો આવી કોઈ ઘટના ઘટે તો તેની અસર સમગ્ર માનવ સભ્યતા માટે કાયમી ધોરણે સર્વનાશકારી સાબિત થશે.
માનવજાતના લુપ્ત થવા પાછળના ૨ સૌથી મુખ્ય જોખમો
૧. AI નો દુરુપયોગ અને જૈવિક હથિયારો:
-
આધુનિક અને અત્યાધુનિક AI એલ્ગોરિધમ્સનો ઉપયોગ ઘાતક વાયરસ કે બાયોલોજિકલ એજન્ટ્સ (જૈવિક હથિયારો) ડિઝાઇન કરવા માટે થઈ શકે છે. જો કોઈ અનિયંત્રિત અને અત્યંત ચેપી વાયરસ લેબમાંથી બહાર ફેલાઈ જાય, તો તે વૈશ્વિક મહામારી બનીને માનવતાનો સફાયો કરી શકે છે.
૨. પરમાણુ યુદ્ધ અને ‘પરમાણુ દુષ્કાળ’ (Nuclear Famine):
-
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો માત્ર વિસ્ફોટોથી જ નહીં, પરંતુ તેનાથી વાતાવરણના ઉપરના સ્તરમાં જમા થતી રાખ અને ધુમાડાથી સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવતો અટકી જશે. પરિણામે પૃથ્વી પર તાપમાન માઈનસમાં જશે, ખેતી સંપૂર્ણપણે ઠપ થશે અને વૈશ્વિક અનાજ પુરવઠો ખોરવાતા અબજો લોકો ભૂખમરાથી મોતના મુખમાં ધકેલાઈ જશે.
આ બે અતિ-જોખમો ઉપરાંત વાયુ પ્રદૂષણ, ક્લાઇમેટ ચેન્જ, કુપોષણ, સ્થૂળતા અને નવી મહામારીઓ જેવા ૧૫ અન્ય પરિબળો પણ દરરોજ ધીમા ઝેરની જેમ માનવ આયુષ્ય અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ભારત માટે કયા પરિબળો બની શકે છે મોટો પડકાર?
લેન્સેટના આ રિપોર્ટમાં ભારતીય ઉપખંડ અને ખાસ કરીને ભારત માટે મુખ્ય ૪ સંવેદનશીલ પાસાં દર્શાવવામાં આવ્યા છે:
-
વાયુ પ્રદૂષણ (PM 2.5): દક્ષિણ એશિયામાં પ્રદૂષણને કારણે સ્વસ્થ જીવન વર્ષોનું ભારે નુકસાન થાય છે. ભારતમાં પાકના અવશેષો (પરાલી) સળગાવવા અને ઔદ્યોગિક પ્રદૂષણ સામે નિયમોના કડક અમલનો અભાવ આર્થિક કરતાં વધુ રાજકીય પડકાર છે.
-
દુષ્કાળ અને નીતિગત સફળતા: રિપોર્ટ નોંધે છે કે છેલ્લા ૫૦ વર્ષોમાં ભારતે નીતિગત વ્યવસ્થાપનને કારણે દુષ્કાળ વચ્ચે પણ અનાજ કટોકટી ટાળી છે, છતાં ભવિષ્યમાં જળસંકટ મોટો પડકાર બની રહેશે.
-
ક્લાઇમેટ ચેન્જના બહુઆયામી ફટકા: ભારત ત્રણ તરફથી સમુદ્ર અને ઉત્તરમાં પર્વતોથી ઘેરાયેલું હોવાથી દરિયાઈ જળસ્તર વધવું અને ગ્લેશિયર્સ પીગળવા બંને દિશામાંથી સંવેદનશીલ છે. અતિશય ગરમીથી બાળકોમાં કુપોષણ, કૃષિ આવકમાં ઘટાડો તેમજ મેલેરિયા-ડેન્ગ્યુ જેવા રોગોનો ફેલાવો વધી શકે છે.
-
વૈશ્વિક જોખમોની સીધી અસર: વૈશ્વિક સ્તરે પરમાણુ સંઘર્ષ કે એઆઈ-સંચાલિત બાયો-વેપન્સની અસરથી ભારત પણ અલિપ્ત રહી શકે નહીં.
આ સંકટમાંથી બચવા રિપોર્ટમાં સૂચવાયેલા ઉપાયો
વિજ્ઞાનીઓએ ભવિષ્યના આ મહાસંકટ સામે લડવા ૩ સ્તરીય માળખું સૂચવ્યું છે:
-
સક્ષમ હેલ્થ સિસ્ટમ્સ: માત્ર આપત્તિ આવ્યા પછી પગલાં લેવાને બદલે અગાઉથી સંકટ પારખીને સુરક્ષા પૂરી પાડી શકે તેવી આરોગ્ય પ્રણાલીઓ વિકસાવવી.
-
AI અને ટેકનોલોજી પર કડક નિયંત્રણ: AI-આધારિત બાયો-ડિઝાઇન ટૂલ્સ અને હાઇ-રિસ્ક ટેકનોલોજી માટે વૈશ્વિક સ્તરે કડક કાયદાકીય ગવર્નન્સ ઊભું કરવું અને નવા એન્ટિબાયોટિક્સ તથા ક્લાઇમેટ સોલ્યુશન્સમાં રોકાણ વધારવું.
-
૨૧મી સદીના જોખમોનું ગ્લોબલ મોનિટરિંગ: વિશ્વ સ્તરે નિયમિત જોખમ મૂલ્યાંકન કરતી સ્વતંત્ર વ્યવસ્થા સ્થાપવી જેથી આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા સમયસર સાવચેતીનાં પગલાં ભરી શકાય.
