તાંબાના (કોપર) વાસણમાં આખી રાત પાણી ભરી રાખવું અને સવારે ઉઠીને નરણા કોઠે પીવું એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. સામાન્ય અને તંદુરસ્ત વ્યક્તિ માટે આ પ્રયોગ પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ સુધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ, જો તમે કે તમારા પરિવારમાં કોઈ ડાયાબિટીસ (મધુપ્રમેહ) ની સમસ્યાથી પીડાતું હોય, તો આ જ ‘અમૃત’ સમાન પાણી તેમના માટે ગંભીર નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જાણો ડાયાબિટીસના દર્દીઓ માટે તાંબાનું પાણી શા માટે ખતરનાક બની શકે છે અને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે.
નવી રક્તવાહિનીઓ બનવાની પ્રક્રિયા (એન્જિયોજેનેસિસ) અટકી જાય છે
જ્યારે પાણી આખી રાત તાંબાના સંપર્કમાં રહે છે, ત્યારે કોપરના સૂક્ષ્મ કણો પાણીમાં ભળી જાય છે:
-
એન્જિયોજેનેસિસ પર અસર: શરીરમાં કોપર પહોંચ્યા બાદ તે કોષો (cells) ની અંદર પ્રવેશે છે. ડાયાબિટીસના દર્દીઓમાં કોપરનું પ્રમાણ વધતાં તે નવી રક્તવાહિનીઓ (Blood Vessels) બનવાની કુદરતી પ્રક્રિયા, જેને મેડિકલ ભાષામાં ‘એન્જિયોજેનેસિસ’ (Angiogenesis) કહેવાય છે, તેને અવરોધે છે.
-
રક્તવાહિનીઓ નબળી પડે છે: વધુ પડતું કોપર રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા (Flexibility) ઘટાડી દે છે, તેમને લીકી (કાચી/નબળી) બનાવે છે અને અંદર ગંદકી કે કચરો જમા થવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
-
ગંભીર જોખમો: નવી નસો ન બનવા અને રક્તવાહિનીઓ બ્લોક થવાને કારણે ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટ એટેક, પેરાલિસિસ (લકવો), ગેંગરીન થવાથી હાથ-પગ ગુમાવવાનો વારો આવવો કે કોઈપણ સામાન્ય ઘા લાંબા સમય સુધી ન રુઝાવવા જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.
શું છે ATP7A ‘કુલી’નું રહસ્ય? ડાયાબિટીસમાં કેમ વધે છે જોખમ?
માનવ શરીરમાં કોષોની અંદર તાંબાનું પ્રમાણ સંતુલિત રાખવા માટે ATP7A નામનું એક ખાસ પ્રોટીન તત્વ કુદરતી ‘કુલી’ (ટ્રાન્સપોર્ટર) તરીકે કાર્ય કરે છે:
-
સામાન્ય વ્યક્તિમાં: જો કોષની અંદર કોપર ઘટે તો આ ATP7A બહારથી કોપર અંદર લાવે છે, અને જો કોષમાં કોપર વધી જાય તો તે વધારાના કોપરને બહાર કાઢી ફેંકી દે છે.
-
ડાયાબિટીસના દર્દીમાં ખામી: ડાયાબિટીસ ધરાવતા દર્દીઓના શરીરમાં આ ATP7A નામના ‘કુલી’ની ભારે ઉણપ હોય છે.
-
આ ઉણપને કારણે જ્યારે તાંબાના વાસણમાંથી કોપર કોષોમાં જમા થાય છે, ત્યારે તેને બહાર કાઢનારું કોઈ હોતું નથી. પરિણામે કોષોમાં કોપર ઝેરી સ્તરે એકઠું થઈ જાય છે અને એન્જિયોજેનેસિસની સમગ્ર પ્રક્રિયા ઠપ થઈ જાય છે.
કોપરનું સંતુલન કેમ જરૂરી છે?
શરીરમાં કોપર અતિશય વધી જવું જેટલું જોખમી છે, તેટલું જ તેનું પ્રમાણ ઘટી જવું પણ નુકસાનકારક છે:
-
જો શરીરમાં કોપર સાવ ઘટી જાય, તો આયર્ન (લોહતત્વ) નું શોષણ યોગ્ય રીતે થતું નથી, જેના લીધે એનિમિયા (લોહીની ઉણપ) થઈ શકે છે અને અકાળે વાળ સફેદ થવા જેવી સમસ્યાઓ જોવા મળે છે.
-
તેથી, કોઈના પણ આંધળા અનુકરણમાં આવીને દરરોજ તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાને બદલે પોતાના શરીરની સ્થિતિ અને રોગની હિસ્ટ્રી જાણીને સંતુલિત માત્રામાં જ કોપરનું સેવન કરવું હિતાવહ છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને નિયમિત તાંબાનું પાણી પીતા પહેલાં તબીબી સલાહ અવશ્ય લેવી જોઈએ.
