Commonwealth Games 2030 : અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ (Commonwealth Games 2030) પૂર્વે શહેરની હવાની ગુણવત્તા (Air Quality) સુધારવા અને વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાના નામે પ્રમુખ ઔદ્યોગિક વિસ્તારોને શહેર બહાર ખસેડવાની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા નરોડા, વટવા અને ઓઢવ જેવા મુખ્ય ઔદ્યોગિક એકમોને ખેડા કે અન્ય બહારના વિસ્તારોમાં રિલોકેટ કરવા અંગેના મેસેજો અને સંકેતો વહેતા થતાં જ ઉદ્યોગ જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ નિર્ણયથી અમદાવાદના સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSMEs) સંપૂર્ણ ઠપ થવાનો, મધ્યમ કદના ઉદ્યોગોની કમર તૂટવાનો અને લાખો પરિવારો બેરોજગાર બનવાનો ગંભીર ખતરો ઊભો થયો છે.
પરિવાર સહિત અંદાજે ૨૦ લાખ લોકો પર સ્થળાંતરનું સંકટ
જો જીઆઈડીસીના આ એકમોનું સ્થળાંતર કરવામાં આવે તો સામાજિક અને આર્થિક સ્તરે મોટો ભૂકંપ આવી શકે છે:
-
કરોડોનું નવું મૂડીરોકાણ: નવા સ્થાને પ્લાન્ટ સ્થાપવા માટે જમીન સંપાદન, નવી મશીનરી બેસાડવી, જૂના મશીનોનું ડિસ્મેન્ટલિંગ અને શિફ્ટિંગનો ખર્ચ તેમજ પ્રોડક્શન સાયકલ મહિનાઓ સુધી બંધ રહેવાને કારણે દૈનિક ટર્નઓવરનું અબજો રૂપિયાનું નુકસાન થશે.
-
રોજગાર પર સીધો પ્રહાર: નરોડા, વટવા અને ઓઢવ એ ગુજરાતના કેમિકલ્સ, ડાઈઝ, ટેક્સટાઈલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનું હૃદય છે. આ વિસ્તારોમાં અંદાજે ૩.૨૭ લાખથી વધુ કામદારો સીધી અને ૧ લાખથી વધુ કામદારો આડકતરી રોજગારી મેળવે છે.
-
૨૦ લાખ લોકોનું વિસ્થાપન: પરિવારના સરેરાશ ૫ સભ્યો ગણવામાં આવે તો પ્રત્યક્ષ કામદારોના ૧૬ લાખ અને પરોક્ષ કામદારો મળીને કુલ ૨૦ લાખ જેટલા લોકોને શહેર છોડીને ખેડા કે અન્ય અંતરિયાળ વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડી શકે છે. દાણીલીમડા સહિતના અન્ય ક્લસ્ટર્સની ગણતરી તો હજી બાકી છે.
-
સામાજિક જીવન અસ્તવ્યસ્ત: કામદારોના સ્થળાંતરથી બાળકોનું શિક્ષણ વચગાળે બગડશે, સ્કૂલ-કોલેજો બદલવી મુશ્કેલ બનશે અને નવા વિસ્તારોમાં આવાસ, પીવાનું પાણી અને હોસ્પિટલ જેવી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવી અત્યંત પડકારજનક સાબિત થશે.
કાયમી શિફ્ટિંગના બદલે ગેમ્સ ટાણે ૨ મહિના બંધ રાખવાનો વ્યવહારુ વિકલ્પ
ઉદ્યોગકારો અને નિષ્ણાતોના મતે કાયમી રિલોકેશન એ આત્મઘાતી પગલું છે:
-
કામચલાઉ શટડાઉનનો પ્રસ્તાવ: કાયમી શિફ્ટિંગ કરવાને બદલે જો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ઔદ્યોગિક એકમોને બે કે ત્રણ મહિના માટે કામચલાઉ ધોરણે બંધ રાખવામાં આવે તો તે અત્યંત વ્યવહારુ, સસ્તો અને યોગ્ય ઉપાય સાબિત થઈ શકે છે.
-
દિલ્હીનું ઉદાહરણ: દિલ્હી સરકારે પણ અગાઉ વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવા માટે ૪૨ દિવસ સુધી બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક લગાવી હતી.
-
કામદારોને પગાર ચૂકવવા ઉદ્યોગો તૈયાર: ઉદ્યોગપતિઓ બે મહિનાના અસ્થાયી શટડાઉન દરમિયાન શ્રમિકોને સંપૂર્ણ પગાર ચૂકવવાનો આર્થિક બોજ ઉઠાવવા પણ તૈયાર છે, કારણ કે આ ખર્ચ કરોડો રૂપિયાના રિલોકેશન ખર્ચ કરતાં ઘણો ઓછો હશે.
-
ગ્લોબલ ઓર્ડર્સ બચશે: અગાઉથી આયોજન કરીને ઉદ્યોગો બે મહિનાનો બફર સ્ટોક તૈયાર રાખી શકે છે, જેથી વૈશ્વિક નિકાસ ઓર્ડર્સ રદ થતાં અટકાવી શકાય.
પ્રદૂષણ તો માત્ર બહાનું? કરોડોની પ્રાઇમ જમીનો બિલ્ડર લોબીને સોંપવાની આશંકા
આ સમગ્ર વિવાદ પાછળ રિયલ એસ્ટેટ અને બિલ્ડર લોબીનું મોટું હિત છુપાયેલું હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે:
-
કિંમતી પ્રાઇમ લેન્ડ: ભૂતકાળમાં શહેરની બહાર ગણાતા નરોડા, ઓઢવ અને વટવા જેવા વિસ્તારો અમદાવાદના ઝડપી વિકાસને કારણે આજે શહેરની મધ્યમાં આવી ગયા છે.
-
જંગી નફાનો ખેલ: જો આ ઔદ્યોગિક જમીનો ખાલી કરાવીને તેને કમર્શિયલ અને રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવવામાં આવે, તો બિલ્ડર લોબીને અબજો રૂપિયાનો જંગી નફો થઈ શકે તેમ છે. આ વિસ્તારોમાં હાઈરાઈઝ ટાવર્સ, આઈટી પાર્ક્સ અને મોલ્સ ઊભા કરી શહેરને મોર્ડન લુક આપવાની તૈયારીઓ હોવાની ચર્ચા છે.
-
કન્સ્ટ્રક્શન લોબી સામે કેમ મૌન?: વાયુ પ્રદૂષણમાં રજકણો (PM 2.5 અને PM 10) વધારવા માટે સૌથી મોટું કારણ બાંધકામ ક્ષેત્ર હોવા છતાં તેમની સામે કોઈ કડક પગલાં લેવાની યોજના દેખાતી નથી, જેના કારણે સરકાર અને વહીવટી તંત્રની દાનત સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
