ભારતીય કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતા પ્રોફેશનલ્સના હોદ્દા (Job Title/Designation) અને તેમને મળતા વાસ્તવિક પગાર વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જોબ પોર્ટલ Indeed દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રિમાસિક હાયરિંગ ટ્રેકર રિપોર્ટ મુજબ, દેશના મોટાભાગના કર્મચારીઓને તેમના પદના પ્રમાણમાં યોગ્ય વેતન મળતું નથી. રિપોર્ટ દર્શાવે છે કે કાર્યસ્થળ પર માત્ર મોટો હોદ્દો આપી દેવો એ વાસ્તવિક નાણાકીય પ્રગતિની ગેરંટી રહ્યો નથી.
આ સર્વે રિપોર્ટ દેશની ૧,૨૧૧ અગ્રણી કંપનીઓ અને ૨,૫૩૩ કર્મચારીઓના પ્રતિભાવોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, દર ૧૦માંથી લગભગ ૬ કર્મચારીઓએ (લગભગ ૬૦%) સ્વીકાર્યું છે કે તેમનો વર્તમાન હોદ્દો તેમની સેલરીનું યોગ્ય પ્રતિબિંબ પાડતો નથી. વધુમાં, સર્વેમાં સામેલ ૮૦ ટકા કર્મચારીઓનું માનવું છે કે આજકાલ ઇન્ડસ્ટ્રીમાં આકર્ષક કે મોટા હોદ્દા આપવા એ સામાન્ય બાબત બની ગઈ છે. કંપનીઓ પગારમાં ખાસ વધારો કર્યા વગર જ કર્મચારીઓને સિનિયર પદ આપીને સંતોષ માનવા મજબૂર કરે છે.
સર્વેક્ષણમાં એ પણ સામે આવ્યું છે કે છેલ્લા ૨ વર્ષમાં પ્રમોશન અથવા નવો હોદ્દો મેળવનારા દર ૩માંથી ૧ કર્મચારીને કાં તો સેલરી હાઇક મળી જ નથી અથવા તો ૫ ટકાથી પણ ઓછો વધારો મળ્યો છે. આ કારણોસર ૫૨ ટકા પ્રોફેશનલ્સે સ્પષ્ટ કર્યું છે કે નવી નોકરીની શોધ વખતે તેઓ મોટા પદ કરતાં વધુ સારા પગાર પેકેજને પ્રાથમિકતા આપશે.
જોકે, કર્મચારીઓ હોદ્દાના મહત્વને સંપૂર્ણપણે નકારી રહ્યા નથી. સર્વેના ૭૦ ટકા લોકોનું માનવું છે કે ભવિષ્યમાં નવી તકો મેળવવા માટે સારું ડેઝિગ્નેશન ખૂબ ઉપયોગી સાબિત થાય છે, જ્યારે ૭૩ ટકા લોકો માને છે કે મોટો હોદ્દો હોવાથી કંપની અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધે છે. ઇન્ડીડ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શશી કુમારના જણાવ્યા મુજબ, હોદ્દો એ કર્મચારીની ઓળખ છે, પરંતુ તે ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેની સાથે વાસ્તવિક આર્થિક વૃદ્ધિ જોડાયેલી હોય.
