દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. ભાજપના પક્ષપલટાના ડરથી કોંગ્રેસે પોતાના 12 સભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા છે.
પ્રમુખની ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો
બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. વાવ, થરાદ અને દિયોદર પંથકનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આગામી 25 મેના રોજ યોજાવાની છે. પરંતુ આ ચૂંટણી પહેલાં જ ભારે રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસે પોતાની સત્તા બચાવવા માટે ‘રિસોર્ટ પોલિટિક્સ’ નો આશરો લીધો છે. સભ્યો તૂટે નહીં તે માટે તમામ વિજેતા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બહુમતી હોવા છતાં કોંગ્રેસને પક્ષપલટાનો ડર
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો હતી. તેમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ને 10 બેઠકો મળી છે. નિયમ મુજબ કોંગ્રેસ અહીં સરળતાથી પોતાની સત્તા બનાવી શકે તેમ છે.
પરંતુ સ્થાનિક સ્તરે ભાજપ દ્વારા સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપની આ તોડજોડની રાજનીતિથી બચવા કોંગ્રેસે મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસે પોતાના તમામ 12 સભ્યોને સરહદ પાર રાજસ્થાનના એક રિસોર્ટમાં મોકલી દીધા છે.
આ પણ વાંચો: કોંગ્રેસ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તાલુકા પંચાયતના સભ્યોની સાથે જિલ્લા પંચાયતના પણ 3 સભ્યોને સુરક્ષા માટે રાજસ્થાન મોકલાયા છે.
25 તારીખે જ સીધા ચૂંટણીમાં હાજર થશે સભ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ સભ્યો હાલ કોઈના સંપર્કમાં નથી. તેઓ આગામી 25 તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના સમયે જ સીધા મીટિંગમાં હાજર થશે. બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાઓ પણ સત્તા મેળવવાના દાવા કરી રહ્યા છે. હવે કોંગ્રેસની આ વ્યુહરચના કેટલી સફળ થાય છે તે 25 તારીખે જ ખબર પડશે.
