જન આક્રોશ યાત્રા દિવસ 8
ગોલા ગામડી ચોકડીથી જામલી
———
ડભોઇના ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને ડભોઈ નગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યા છે. ગાર્ડન રિનોવેશનમાં મોટો ભ્રષ્ટાચાર : અમિતભાઈ ચાવડા
નસવાડી તાલુકામાં હાઇડ્રોપ્રોજેક્ટના નામે સરકાર આદિવાસીઓની જમીન હડપવાનો કારસો રચી રહી છે, વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ નહી થવા દઇએ : અમિતભાઈ ચાવડા
યાત્રામાં જોડાતા લોકોને ડરાવાનો પ્રયાસ કરી,ભાજપ સરકારની ચાપલૂસી કરનારા પોલીસકર્મીઓ સરકારી પટ્ટા ઉતારી ભાજપના પટ્ટા પહેરી લો અમિતભાઈ ચાવડા
ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. ભાજપ ક્યારેય આદિવાસીઓનું સારું વિચારી શકે નહીં : ડૉ. તુષારભાઈ ચૌધરી

જન આક્રોશ યાત્રાના આઠમા દિવસની શરૂઆત ગોલા ગામડી ચોકડીથી કરવામાં આવી. ત્યારબાદ યાત્રા બહાદુરપુરા, સંખેડા, ટીંબા, ભાટપુર, વાસણા ચોકડી, કલેડિયા ચોકડી, નસવાડી સિટી, વધાસ ચોકડી, ભાખા, નળવા, ખરમડા, દેવત, કવાંટ સિટી માર્ગે જામલી તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપની સરકાર જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસને મળી રહેલા સમર્થનથી ડરી ગઈ છે. ગામેગામ જે લોકો યાત્રાનું સ્વાગત કરે છે, તેમના નામ પોલીસતંત્ર દ્વારા લખવામાં આવી રહ્યા છે. પરંતુ સરકારની ચાપલૂસી કરનારા તમામ પોલીસકર્મી અને અધિકારીઓને કહેવું છે કે સરકારો કાયમી રહેતી નથી. જો સરકારની ચાપલૂસી કરવાનો શોખ હોય તો પટ્ટા ઉતારી દો અને ભાજપના ખેસ પહેરીને પાર્ટીમાં જોડાઈ જાઓ અને લડાઈ લડવા મેદાનમાં આવી જાઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લઈને ભાજપની ચાપલૂસી કરનારા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે.
ડભોઇમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. નગરપાલિકાના બજેટમાંથી અને સરકારની ગ્રાન્ટમાંથી 2 કરોડ 30 લાખના ખર્ચે ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવ્યા છે, જેમાં ગાર્ડનમાં કોઈ પણ બ્રાન્ડ વગરના સાધનો લગાવવામાં આવ્યા છે. લોકાર્પણના સાત દિવસમાં જ સાધનો તૂટી ગયા અને વેલ્ડિંગ કરવું પડ્યું. પરિસ્થિતિ જોતા સ્પષ્ટ જણાય છે કે 2 કરોડ 30 લાખનો વાસ્તવિક ખર્ચ થયો નથી અને મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ ગયા છે. વધુમાં, ચીફ ઓફિસરની બદલી થઈ હોવા છતાં તેમને છૂટા કરવામાં નથી આવતા કારણ કે ભાજપના ધારાસભ્ય અને નેતાઓ તેમને વ્હાલા છે, કારણ કે બધા ભેગા મળીને ભ્રષ્ટાચાર કરે છે.
છોટાઉદેપુર જિલ્લામાં રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. જ્યાં જુઓ ત્યાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ પ્રશ્નો જનતા ઉઠાવી રહી છે. આખા જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. ભાજપના મળતિયાઓ સત્તાના આશીર્વાદથી કુદરતી સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. નસવાડી તાલુકામાં હાઇડ્રોપ્રોજેક્ટના કારણે અનેક સ્થાનિકો અને આદિવાસી સમાજના લોકો વિસ્થાપિત થશે. સરકાર દ્વારા લોકોના ઘરોનો વિનાશ કરીને પ્રોજેક્ટના વિકાસની વાત કરવામાં આવી રહી છે, જેનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારના રાજમાં આદિવાસી સમાજના લોકો સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે. આદિ અનાદી કાળથી આદિવાસી સમાજ જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરી રહ્યો છે, પરંતુ વર્તમાન ભાજપ સરકાર પોતાના સ્વાર્થ માટે આદિવાસી સમાજના હક્ક અને અધિકારો છીનવીને જંગલો ઉદ્યોગપતિઓને આપવા માંગે છે.
: અમિતભાઈ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ
નસવાડી તાલુકામાં વિકાસના નામે આદિવાસી સમાજની જમીનો છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
પોલીસની દાદાગીરીથી જમીનનો કબજો લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હાઇડ્રો પ્રોજેક્ટના નામે 18 જેટલા ગામોની જમીન હડપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વધુમાં મનરેગા, નલ સે જલ જેવી યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થઈ થયો છે.







