મહારાષ્ટ્રના પુણે શહેરના હિંજવડી વિસ્તારમાંથી એક સનસનાટીભર્યા હત્યાકાંડના સમાચાર સામે આવ્યા છે. અહીં એકતરફી પ્રેમ અને લવ ટ્રાયએંગલ ના કારણે એક યુવકની લોખંડના રોડથી ફટકારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં તેની ગર્લફ્રેન્ડ પણ ગંભીર રીતે ઘવાયેલી હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી દિનેશ ઝાંબરેની ધરપકડ કરી લીધી છે.
શું હતો સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દિનેશ અને ઇજાગ્રસ્ત યુવતી શાળાના સમયથી એકબીજાને ઓળખતા હતા. બંને BCA નો અભ્યાસ કરવા માટે પુણે આવ્યા હતા. આ દરમિયાન યુવતીની નજીકતા એક PG ના મેનેજર સાગર ગાયકવાડ સાથે વધી ગઈ હતી. બુધવારે રાત્રે યુવતી હિંજવડી ખાતે આવેલી સાગરની PG માં રહેવા આવી હતી.
PG માં ઘૂસીને કર્યો હુમલો
ગુરૂવારે બપોરે આરોપી દિનેશ ઝાંબરે PG ખાતે પહોંચ્યો હતો અને સાગરને મળવાના બહાને ત્રીજા માળે ગયો હતો. ત્રીજા માળના રૂમ નંબર ૩૧૦ માં પહોંચીને તેણે લોખંડના રોડ વડે સાગર પર અચાનક હુમલો કરી દીધો હતો. વચ્ચે પડેલી યુવતી પર પણ તેણે જીવલેણ હુમલો કર્યો હતો.
લોહીલુહાણ હાલતમાં સાગર ગાયકવાડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના PG ના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપી દિનેશની ધરપકડ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
