જો તમારા બેંક ખાતામાંથી ક્યારેય જાણ કર્યા વિના થોડા રૂપિયા કપાઈ ગયા હોય, તો શક્ય છે કે તે મિનિમમ એવરેજ બેલેન્સ (MAB) ન જાળવવાનો દંડ હોય. નાણાં મંત્રાલયે રાજ્યસભામાં આપેલા લેખિત જવાબ અનુસાર, છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં (FY23 થી FY26) દેશની બેંકોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ₹26,170 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે.
FY26 માં પેનલ્ટીમાંથી વસૂલાયા ₹7,086 કરોડ
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે માત્ર FY26 નાણાકીય વર્ષમાં જ બેંકોએ ₹7,086.63 કરોડની પેનલ્ટી વસૂલી છે.
-
ખાનગી બેંકો (Private Banks): ₹4,948.71 કરોડ વસૂલ્યા (સૌથી વધુ હિસ્સો).
-
સરકારી બેંકો (Public Sector Banks): ₹2,137.92 કરોડની વસૂલાત કરી.
ખાનગી બેંકોમાં HDFC અને Axis Bank સૌથી આગળ
ખાનગી બેંકોની વાત કરીએ તો મિનિમમ બેલેન્સ ચાર્જ વસૂલવામાં HDFC બેંક પ્રથમ ક્રમે રહી છે:
નોંધ: પ્રાઇવેટ બેંકો દ્વારા વસૂલાયેલા કુલ દંડમાંથી 58% હિસ્સો માત્ર HDFC અને Axis Bank નો જ છે.
સરકારી બેંકોમાં SBI અને BoB નો આંકડો
સરકારી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સૌથી વધુ ₹477.27 કરોડ નો દંડ નોંધાવ્યો છે.
પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે SBI નો આ આંકડો માત્ર કરન્ટ એકાઉન્ટ્સ (Current Accounts) માટે છે, કારણ કે માર્ચ 2020 થી SBI એ સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ પેનલ્ટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે.
SBI પછી બેંક ઓફ બરોડા (BoB) એ ₹394.10 કરોડ અને ઈન્ડિયન બેંકે ₹299.17 કરોડ વસૂલ્યા છે.
10 સરકારી બેંકોએ ચાર્જ નાબૂદ કર્યો, જનધન ખાતા સુરક્ષિત
ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે દેશની 12 સરકારી બેંકોમાંથી 10 બેંકોએ બચત ખાતા (Savings Account) પર મિનિમમ બેલેન્સ ના રાખવાનો દંડ નાબૂદ કરી દીધો છે.
-
કોઈ દંડ નહીં: BSBDA (બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ) અને પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ ખોલેલા શૂન્ય બેલેન્સ ખાતા પર કોઈ દંડ લાગતો નથી.
-
કુલ ખાતા: દેશમાં આવા આશરે 73 કરોડ ખાતાઓ છે જે પેનલ્ટી મુક્ત છે.
RBI ના નિયમો શું કહે છે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો મુજબ, બેંકો પોતાના બોર્ડની મંજૂરીથી મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ કરી શકે છે.
પરંતુ આ ચાર્જ વાજબી અને પારદર્શક હોવા જરૂરી છે. ઉપરાંત, ગ્રાહકના ખાતામાંથી દંડ કાપતા પહેલાં SMS કે ઈમેલ દ્વારા જાણ કરવી અને બેલેન્સ પૂરું કરવાનો સમય આપવો ફરજિયાત છે.
