મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ તેની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, હત્યા કર્યા બાદ તે પત્નીની લાશને કારમાં મૂકીને કલાકો સુધી રસ્તાઓ પર ફરતો રહ્યો હતો. અંતે જ્યારે તેને કંઈ સમજાયું નહીં, ત્યારે તે પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ (Surrender) કરી દીધું હતું.
શું છે સમગ્ર મામલો?
આ સનસનાટીભરી ઘટના વાશિમ જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આજે સવારે પ્રકાશમાં આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સલમાન ખાન નેક મોહમ્મદ ખાન પર તેની પત્ની હસીનબાનોની હત્યાનો આરોપ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી પતિએ પહેલા લોખંડના રોડ વડે પત્ની પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગળું દબાવીને તેની જાન લઈ લીધી હતી. હત્યા કર્યા બાદ તે લાશને કારમાં રાખીને કલાકો સુધી ફરતો રહ્યો અને બાદમાં કારંજા શહેર પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.
ચારિત્ર્ય પર શંકા હોવાના કારણે હત્યા
પોલીસે કારમાંથી હસીનબાનોનો મૃતદેહ કબજે કર્યો છે. લાશને પોસ્ટમોર્ટમ માટે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પત્નીના ચારિત્ર્ય પરની શંકા હોવાનું સામે આવ્યું છે.
સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે ઘટના સમયે આ દંપતી તેમના ત્રણ નાના બાળકો સાથે મુસાફરી કરી રહ્યું હતું. આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ કારંજા શહેર પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
નવી મુંબઈમાંથી પણ સામે આવ્યો ચોંકાવનારો ગુનો
આજે જ નવી મુંબઈમાંથી પણ પતિ-પત્નીના સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ મામલો ૧૧ મહિના જૂનો છે, જેનો ખુલાસો આજે થયો છે.
પતિ બલિરામ સૂર્યનાથ કુશવાહા (૫૦) ની હત્યાના કેસમાં પત્ની સુનિતા કુશવાહા (૪૦) અને રાહુલ પ્રજાપતિ (૩૦) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ૯ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ બલિરામનું ગળું દબાવીને હત્યા કરાઈ હતી. ત્યારબાદ તેનું માથું કાપી, લાશના ત્રણ ટુકડા કરીને જંગલમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા.
