પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) માં મોટો ફેરફાર થયો છે. ગયા વર્ષે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) દ્વારા લશ્કરના નેટવર્કને તોડી પાડ્યું હતું. હવે આ આતંકી સંગઠન ફરી બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા આંતરિક વિવાદ બાદ સંગઠનના સ્થાપક હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને નવો ઓપરેશનલ કમાન્ડર બનાવવામાં આવ્યો છે. હાફિઝ સઈદ હવે માત્ર માર્ગદર્શક (Mentorship) અને વૈચારિક વડા તરીકે કામ કરશે. જ્યારે તમામ ગ્રાઉન્ડ ઓપરેશન્સની કમાન તલ્હા સઈદના હાથમાં રહેશે.
ત્રણ વિસ્તારો માટે ત્રણ અલગ કમાન્ડ
ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ની દેખરેખ હેઠળ લશ્કરે પોતાનું માળખું બદલ્યું છે. હવે લશ્કર પાકિસ્તાનની અંદર ત્રણ પ્રાદેશિક કમાન્ડ દ્વારા કામ કરશે:
-
બલુચિસ્તાન વિંગ
-
ખૈબર પખ્તુનખ્વા વિંગ
-
પાક અધિકૃત કાશ્મીર (PoK) વિંગ
TTP અને બલુચ બળવાખોરો સામે લડવાની મજબૂરી
પાકિસ્તાની સેના હાલમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના હુમલાઓથી પરેશાન છે. આ સ્થિતિનો સામનો કરવા માટે પાકિસ્તાની તંત્રએ લશ્કરના આતંકીઓને પોતાની સેના સાથે મળીને TTP અને BLA સામે યુદ્ધમાં ઉતાર્યા છે.
સ્થાનિક આતંકીઓની ભરતી કરવા માટે આ પ્રાદેશિક કમાન્ડ બનાવવામાં આવી છે. લશ્કર આ પ્રતિબંધિત સંગઠનોની અંદર પોતાના સ્લીપર સેલ ઘુસાડવાની યોજના પણ બનાવી રહ્યું છે.
PoK માટે ખતરનાક એજન્ડા અને ભારતને બદનામ કરવાનું કાવતરું
ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા મુજબ, પાક અધિકૃત કાશ્મીર (PoK) માટે લશ્કરનો એજન્ડા તદ્દન અલગ અને ખતરનાક છે:
-
તાજેતરમાં PoK માં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શનો થયા છે. લશ્કર ત્યાં આત્મઘાતી હુમલા કે વિસ્ફોટો કરીને સ્થાનિક લોકોમાં ડર પેદા કરવા માંગે છે જેથી તેઓ વિરોધ પ્રદર્શનો બંધ કરી દે.
-
આ રણનીતિનો બીજો મોટો ભાગ એ છે કે PoK માં મોટો આતંકી હુમલો કરીને તેનો દોષ ભારત પર મઢી દેવો, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરી શકાય.
ભારત વિરુદ્ધ સિંગલ કમાન્ડ યથાવત
ભલે પાકિસ્તાનની અંદર લશ્કરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હોય, પરંતુ જમ્મુ-કાશ્મીર અને ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓની કમાન બદલાઈ નથી. ભારત વિરોધી તમામ ઓપરેશનો પહેલાની જેમ જ એક સિંગલ કમાન્ડ હેઠળ રહેશે. આ તમામ મુખ્ય નિર્ણયો સીધા તલ્હા સઈદ અને હાફિઝ સઈદ દ્વારા લેવામાં આવશે. નવા આતંકીઓની ભરતી અને કાશ્મીરી યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે ISI હજુ પણ હાફિઝ સઈદના નામનો ઉપયોગ કરી રહી છે.
