રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP) હેઠળ તૈયાર કરાયેલા ઓડિશાના નવા સ્કૂલના પુસ્તકો ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયા છે. આ વખતે ધોરણ 8ના કલા શિક્ષણના પુસ્તક ‘કૃતિ’ માં બોલિવૂડ ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ નું પ્રખ્યાત ગીત ‘નિમ્બુડા-નિમ્બુડા’ (Nimbooda Nimbooda) છાપવામાં આવતા નવો વિવાદ શરૂ થયો છે.
પાઠ્યપુસ્તકમાં બોલિવૂડ ગીતોનો સમાવેશ
ધોરણ 8ના આ પુસ્તકના “મો સંગીત જગત” પ્રકરણમાં આખું રાજસ્થાની લોકગીત ‘નિમ્બુડા-નિમ્બુડા’ છાપી દેવામાં આવ્યું છે. આ ગીત મૂળ પરંપરાગત રાજસ્થાની લોકગીત છે, જેને 1999માં ઐશ્વર્યા રાયની ફિલ્મ દ્વારા દેશભરમાં ઓળખ મળી હતી. આટલું જ નહીં, આ જ પ્રકરણમાં ફિલ્મ ‘મિશન કાશ્મીર’ નું પ્રખ્યાત ગીત ‘રિંદ પોશ માલ’ પણ સામેલ કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર
શાળાના પુસ્તકમાં ફિલ્મી ગીતો છપાતા જ સોશિયલ મીડિયા પર લોકો આકરી ટીકા કરી રહ્યા છે અને મીમ્સ શેર કરી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ઓડિશાના પાઠ્યપુસ્તકોમાં સ્થાનિક ઓડિયા લોકગીતો અને શાસ્ત્રીય સંગીતને પ્રાથમિકતા આપવાના બદલે બોલિવૂડના ગીતો કેમ છાપવામાં આવ્યા?
પુસ્તકોમાં મળી આવી 1,678 ભૂલો
આ નવો વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં જ નવી ટેક્સ્ટબુક્સમાં 1,678 જેટલી ભૂલો મળી આવી હતી. આ ભૂલોમાં ખોટા તથ્યો, વ્યાકરણની ભૂલો અને અયોગ્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીના આદેશ બાદ 4 સિનિયર અધિકારીઓ સસ્પેન્ડ
આ ગંભીર મામલે શિક્ષકો, વાલીઓ અને વિપક્ષો દ્વારા સરકારની આકરી આલોચના કરવામાં આવી હતી. મામલો ગરમાતા ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના નિર્દેશ પર તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
તપાસના આધારે સરકારે બેદરકારી દાખવનાર 4 વરિષ્ઠ SCERT અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં પૂર્વ ડાયરેક્ટર મનોજ પાઢી અને ત્રણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સ સામેલ છે. સરકારે હવે નિર્ણય કર્યો છે કે ભવિષ્યમાં ભાષા, ચિત્રો અને તથ્યોની સંપૂર્ણ ચકાસણી થયા બાદ જ પુસ્તકો છાપકામ માટે મોકલવામાં આવશે.
