અનામત; ગુજરાતમાં સરકારી નોકરીઓમાં પારદર્શક ભરતીના દાવા વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં બોગસ પ્રમાણપત્રના આધારે નોકરી મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. અહીં બે સગા ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિના પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને સરકારી નોકરીઓ પચાવી પાડી છે.
એક ભાઈ OBC તો બીજો ST અનામત પર લાગ્યો નોકરીએ
આ કૌભાંડ વાંકાનેરના વસુંધરા ગામના એક પરિવારનું છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે:
-
મોટો ભાઈ હરેશ સરસૈયા વર્ષ 2015માં OBC કેટેગરીના આધારે રેવન્યુ તલાટી બન્યો હતો.
-
નાનો ભાઈ નવઘણ સરસૈયા એ તાજેતરમાં AMCમાં ST કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્કની નોકરી મેળવી છે.
સવાલ એ થાય છે કે બે સગા ભાઈઓની જ્ઞાતિ અલગ-અલગ કેવી રીતે હોઈ શકે?
સરકારી ડેટામાં ગામમાં આદિવાસી વસ્તી જ નથી!
દસ્તાવેજો મુજબ, વસુંધરા ગામમાં આદિવાસી (ST) સમાજની વસ્તી શૂન્ય છે. નવઘણ સરસૈયાના 2015ના શાળાના લિવિંગ સર્ટીમાં તેની જ્ઞાતિ ‘હિન્દુ ભરવાડ’ (OBC) લખેલી છે. તેના પિતાએ પણ જૂન 2025માં પુત્ર માટે OBC પ્રમાણપત્ર મેળવવા સોગંદનામું કર્યું હતું.
આમ છતાં, માત્ર એક જ મહિનામાં એટલે કે જુલાઈ 2025માં નવઘણે આદિવાસી હોવાનો દાવો કરી નોકરી મેળવી લીધી હતી.
માત્ર 24 કલાકમાં પ્રમાણપત્ર મંજૂર થયું
‘ડિજિટલ ગુજરાત’ના રેકોર્ડ મુજબ, બંને ભાઈઓએ 25 સપ્ટેમ્બર 2017ના રોજ ST પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. નવાઈની વાત એ છે કે, વાંકાનેર મામલતદાર કચેરીએ આ અરજી માત્ર 24 કલાકમાં મંજૂર કરી દીધી હતી. આ બાબત સરકારી તંત્રની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.
મુખ્ય મુદ્દો: જે ગામમાં એક પણ આદિવાસી નથી, ત્યાંના રહીશોને ST પ્રમાણપત્ર કેવી રીતે મળ્યું તે તપાસનો વિષય છે.
કડક કાર્યવાહીની ઉઠી માંગ
આ છેતરપિંડી બહાર આવતા જ યુવા સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો નીચે મુજબની માંગણી કરી રહ્યા છે:
-
જવાબદાર પરિવાર સામે તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે.
-
નવઘણ સરસૈયાને AMCની નોકરીમાંથી બરતરફ કરવામાં આવે.
-
અત્યાર સુધી ચૂકવાયેલો પગાર વસૂલ કરવામાં આવે.
-
રેવન્યુ તલાટી હરેશ સરસૈયા સામે પણ કડક કાર્યવાહી થાય.
જો આ મામલે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
< /p>
