વલસાડ ન્યૂઝ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખાસ કરીને સંજાણ અને આસપાસના વિસ્તારોમાં હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. તેમને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ વિદેશ ભગાડી જવાના કિસ્સા વધતા લોકોમાં ભારે રોષ છે. સમસ્ત હિંદુ-જૈન સમાજે વલસાડ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી છે.
કડક કાયદાથી બચવા મહારાષ્ટ્રનો સહારો
હિંદુ-જૈન સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો છે. તેમના જણાવ્યા મુજબ, એક સુઆયોજિત ષડયંત્ર હેઠળ દીકરીઓને ફસાવવામાં આવે છે.
ગુજરાતમાં ધર્માંતરણ અને લગ્ન અંગેના કાયદા ખૂબ જ કડક છે. તેનાથી બચવા માટે આરોપીઓ પડોશી રાજ્ય મહારાષ્ટ્રનો આશરો લે છે. તેઓ મહારાષ્ટ્રના પાલઘર અથવા ધોલવડ ગામમાં જઈને લગ્ન કરી લે છે.
રાતોરાત વિઝા અને પાસપોર્ટનું સેટિંગ
તાજેતરમાં બનેલી એક ઘટનામાં નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
સંજાણ પંથકની દીકરીઓ માટે રાતોરાત વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ તેમને લંડન મોકલી દેવામાં આવે છે અને ત્યાં નિકાહ કરવામાં આવે છે. એક કિસ્સામાં તો દીકરી પાસે પોતાના જ ઘરમાંથી પૈસા અને દાગીનાની ચોરી પણ કરાવવામાં આવી હતી.
હિંદુ સંગઠનોની મુખ્ય માંગણીઓ શું છે?
આવેદનપત્રમાં હિંદુ સંગઠનોએ નીચે મુજબની માંગણીઓ કરી છે:
-
આરોપીઓ સામે પાસપોર્ટ અને વિઝાના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી થાય.
-
દીકરીઓને રાતોરાત વિદેશ મોકલવા માટે ટિકિટ, વિઝા અને આર્થિક મદદ કોણ કરે છે? તેમાં કોઈ સંગઠન કે વકીલ સામેલ છે કે કેમ તેની તપાસ થાય.
-
આ દીકરીઓની પોતાની મરજી હતી કે કોઈ ડિજિટલ બ્લેકમેલિંગ (ફોટો-વીડિયો) હતું? સાયબર સેલ અને મહિલા પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવે.
-
શાળા અને કોલેજોની આસપાસ અસામાજિક તત્વો પર નજર રાખવા પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે.
હ્યુમન ટ્રાફિકિંગની આશંકા
સમાજના અગ્રણીઓ માને છે કે આ કોઈ સામાન્ય ગુનો નથી. આ દીકરીઓની તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) નું મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે છે.
પોલીસ આ મામલે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરે તેવી માંગ ઉઠી છે. ગુનેગારોને કડક સજા થાય અને ભોગ બનનાર દીકરીઓને પરત લાવવામાં પોલીસ મદદ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
< /p>
