તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી નું એક નિવેદન હાલમાં ભારે રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે રાજ્યની દબાણ વિરોધી એજન્સીનું નામ અને વિચાર તેમને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર પાસેથી મળ્યા હતા. આ ટિપ્પણી બાદ ભાજપ (BJP) અને બીઆરએસ (BRS) એ કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે.
હિટલરની કોર ટીમનું નામ ‘હાઇડ્રા’ હતું?
બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રેવંત રેડ્ડીએ કહ્યું, “હાઇડ્રા શબ્દ હિટલરનો મનપસંદ શબ્દ હતો. તેની કોર ટીમને હાઇડ્રા કહેવામાં આવતી હતી, જે કોઈની પણ હત્યા કરી શકતી હતી. મેં હિટલર પાસેથી પ્રેરણા લઈને જ રાજ્યની દબાણ વિરોધી એજન્સીનું નામ HYDRAA (Hyderabad Disaster Response and Asset Protection Agency) રાખ્યું છે.”
જો કે, ઇતિહાસકારોએ મુખ્યમંત્રીના આ દાવા પર સવાલો ઉઠાવ્યા છે. ઇતિહાસકારોના મતે, હિટલરની કોઈ કોર ટીમનું નામ ‘Hydra’ હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. આ નામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની વિરુદ્ધ બ્રિટિશ રોયલ એરફોર્સના એક બોમ્બમારો કરવાના મિશન સાથે જોડાયેલું હતું.
ભાજપે કોંગ્રેસને આકરા હાથે લીધી
મુખ્યમંત્રી રેડ્ડીના આ નિવેદન પર ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કોંગ્રેસની ખતરનાક હિટલર અને ઇમરજન્સી વાળી માનસિકતા ફરી એકવાર ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. રેવંત રેડ્ડી જાહેરમાં સ્વીકારી રહ્યા છે કે તેમને આ એજન્સી બનાવવાની પ્રેરણા હિટલર પાસેથી મળી.”
ભાજપે તેને કોંગ્રેસની સરમુખત્યારશાહી વિચારસરણી ગણાવી છે. તેમણે ઉમેર્યું કે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીથી લઈને પત્રકારો પરની કાર્યવાહી સુધી આ જ માનસિકતા દેખાય છે.
ઉત્તર-દક્ષિણ વિભાજનના મુદ્દે પણ વિવાદ શરુ થયો
શહઝાદ પૂનાવાલાએ રેવંત રેડ્ડીના એ નિવેદન પર પણ ભારે વાંધો ઉઠાવ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઉત્તર ભારતમાંથી છે, અને દક્ષિણ ભારતના લોકોએ બીજા દરજ્જાના નાગરિક ન બનવું જોઈએ. ભાજપે આ ટિપ્પણીને વિભાજનકારી ગણાવી છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે અને દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાના છે. તેમ છતાં આવા નિવેદનો ભારતને વહેંચનારી રાજનીતિને પ્રોત્સાહન આપે છે.”
તથ્યાત્મક રીતે જોઈએ તો, ગુજરાત ભારતના પશ્ચિમ છેડે આવેલું છે અને ઓડિશા પૂર્વ છેડે છે. આવી સ્થિતિમાં રેવંત રેડ્ડી દ્વારા પીએમ મોદી અને રાષ્ટ્રપતિને ઉત્તર ભારતના ગણાવવા તે બાબત સંપૂર્ણપણે ખોટી સાબિત થાય છે.
