અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઘરેલુ હિંસાના એક કેસમાં પીડિત મહિલાની તરફેણમાં મોટો ચુકાદો આપ્યો છે. પ્રથમ લગ્ન હયાત હોવા છતાં પત્નીને તરછોડીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર પતિને કોર્ટે કડક પાઠ ભણાવ્યો છે. અદાલતે વીમા કંપનીના કર્મચારી એવા પતિને તેની પહેલી પત્ની, સગીર બાળકીના ભરણપોષણ અને ઘરભાડા પેટે દર મહિને કુલ રૂપિયા 50,000 ચૂકવવાનો આદેશ કર્યો છે.
-
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં પીડિતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
-
વીમા કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતા પતિને દર મહિને ₹50,000 ચૂકવવાનો હુકમ કરાયો છે.
-
આ રકમ દર મહિનાની 10મી તારીખ પહેલાં સીધી પત્નીના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે.
-
કોર્ટે પતિ અને તેની બીજી પત્નીને પહેલી પત્ની પ્રત્યે હિંસા ન આચરવાનો કડક આદેશ આપ્યો છે.
પત્ની હોવા છતાં પતિએ અન્ય સ્ત્રી સાથે કર્યા બીજા લગ્ન
કેસની વિગતો અનુસાર, સામાવાળા (પતિ) ઇન્શ્યોરન્સ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. તેણે અરજદાર પત્ની સાથેના પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં, કોઈ પણ વ્યાજબી કારણ વિના તેને તરછોડી દીધી હતી. ત્યારબાદ તેણે અન્ય સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લીધા હતા.
આ બાબતને કોર્ટે અત્યંત ગંભીરતાથી લીધી છે. અમદાવાદ ગ્રામ્યના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌરવ બલદેવ સિયાગે દ્વારા આ મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટમાં પીડિત પત્ની તરફથી વકીલ સલીમ આઈ. સૈયદ દ્વારા ધારદાર રજૂઆતો અને મજબૂત પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
દર મહિને ₹50,000 કેવી રીતે ચૂકવવા પડશે?
અદાલતે પીડિત પત્ની અને સગીર બાળકીના હિતમાં આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી છે. કોર્ટે નક્કી કરેલી રકમની વિગત નીચે મુજબ છે:
-
કુલ માસિક ભરણપોષણ: ₹50,000
-
વૈકલ્પિક રહેઠાણનું ભાડું: ₹15,000 (આ કુલ રકમનો જ એક ભાગ છે)
-
પત્ની અને બાળકીનું ભરણપોષણ: બાકીની રકમ બાળકી અને પત્નીના દૈનિક ખર્ચ માટે નક્કી કરાઈ છે.
આ સાથે જ કોર્ટે આદેશ કર્યો છે કે આ માસિક રકમ દર મહિનાની 10મી તારીખ પહેલાં સીધી જ પત્નીના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે. વળી, કોર્ટે પતિને કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે અલગથી રૂપિયા 10,000 ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
બાળકીની કસ્ટડી માતા પાસે રહેશે
કોર્ટે બાળકીની શારીરિક અને કાનૂની કસ્ટડી માતા પાસે જ રાખવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં પત્ની દ્વારા સસરા અને નણંદ વિરુદ્ધ પણ આક્ષેપો કરાયા હતા. પરંતુ તેમની સામે પૂરતા પુરાવા ન હોવાથી કોર્ટે તેમની સામેની અરજી રદ કરી દીધી છે.
અદાલતે પતિ અને તેની બીજી પત્નીને શારીરિક, માનસિક કે આર્થિક કોઈપણ પ્રકારની ઘરેલુ હિંસા આચરવા સામે સખત મનાઈ ફરમાવી છે.
< /p>
