કેરળના નવા મુખ્યમંત્રી વી.ડી. સતીશન હાલમાં દિલ્હીના પ્રવાસે છે. શનિવારે સવારે તેમણે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર હતા. જોકે, આ મુલાકાતની સામે આવેલી એક તસવીરે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્રણેયના કપાળ પર લાલ તિલક જોવા મળી રહ્યું છે.
ગાંધી પરિવારને કોણે અને કેમ લગાવ્યું લાલ તિલક?
સામાન્ય રીતે આવી ઔપચારિક રાજકીય મુલાકાતોમાં ગાંધી પરિવારના સભ્યો તિલક લગાવેલા જોવા મળતા નથી. તેથી આ ફોટો ચર્ચાનો વિષય બન્યો હતો. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ તિલક એનસીપી (NCP) શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલેએ લગાવ્યું હતું.
વાસ્તવમાં, સુપ્રિયા સુલે પોતાની પુત્રી રેવતી સુલેના લગ્નનું આમંત્રણ આપવા માટે સોનિયા ગાંધીના નિવાસસ્થાન ’10 જનપથ’ પહોંચ્યા હતા. શરદ પવાર પરિવાર અને ગાંધી પરિવાર વચ્ચે રાજકારણ ઉપરાંત ખૂબ જ નજીકના પારિવારિક સંબંધો પણ છે. આ જ કારણ છે કે સુપ્રિયા સુલેએ પરંપરાગત રીતે ગાંધી પરિવારના સભ્યોને કુમકુમનું તિલક લગાવીને લગ્નનું કંકોતરી આપી હતી.
ક્યારે છે લગ્ન?
એનસીપી પ્રમુખ શરદ પવારની દોહિત્રી અને સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. રેવતીના લગ્ન નાગપુરના ઉદ્યોગપતિ સારંગ લખાની સાથે નક્કી થયા છે. આ ભવ્ય લગ્ન સમારોહ ૨૦ જૂનના રોજ મુંબઈમાં યોજાશે.
સીએમ સતીશને અન્ય નેતાઓ સાથે પણ કરી મુલાકાત
કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વી.ડી. સતીશનનો આ પ્રથમ દિલ્હી પ્રવાસ છે. ગાંધી પરિવાર ઉપરાંત તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથે પણ મુલાકાત કરી હતી અને કેરળના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
