Gujarat Plus
ગુજરાતરાજનીતિ

પાટીદાર સમાજે કહ્યું: સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, માંડલ ખાતે પાટીદાર સમાજની જનક્રાંતિ મહારેલી

સુરેન્દ્રનગરના ૧૫૦૦ કરોડના જમીન સંપાદન (એન.એ) કૌભાંડમાં હવે કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જે મુદ્દે પાટીદાર સમાજની અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતે જનક્રાંતિ મહારેલી યોજાઈ હતી અને જેમાં સરકાર દ્વારા ભાગેડુ લગ્નના કાયદામાં સુધારણા કરવાની વિચારણાને પાટીદાર સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. માંડલના રામપુરા ચોકડીથી બપોરે ૩ કલાકે પાટીદારો દ્વારા ૧ હજારથી વધુની સંખ્યા સાથે મહારેલી નીકળી હતી અને મામલતદાર કચેરીના ગેટે રેલીને પુર્ણ કરી સામાજિક મુદ્દાઓને લઈ પાટીદાર સમાજના પ્રમુખ અગ્રણીઓએ સમાજને સંબોધન કર્યુ હતું. ત્યારબાદ મામલતદાર વી.જી. રાવલને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા ભાગેડુ લગ્નપ્રથાના કાયદામાં સુધારા માટે વિચારણા ચાલી રહી છે. ત્યારે આ કાયદો ત્વરિત લાવવો જોઈએ, કાયદાના સમર્થનમાં અને સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત અન્ય અધિકારીઓની સામે જે ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડનો આરોપ છે અને રાજેન્દ્ર પટેલ વિરૂદ્ધ ઈ.ડીની તપાસ, ફરિયાદ નોંધાઈ ને તેમની અટકાયત બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં ત્યારે રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ રસ્તાં ઉપર ઉતરી આવ્યો છે.

માંડલ ખાતે આયોજિત જનક્રાંતિ મહારેલીમાં ગુજરાત પાટીદાર સમાજના અગ્રણી વરૂણ પટેલ, ગીતાબેન પટેલ, મનોજભાઈ પનારા, અનીલભાઈ પટેલ સહિત આસપાસના તાલુકા જિલ્લામાંથી સમાજના મુખ્ય આગેવાનો, સ્થાનિક પાટીદાર સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

મહત્વના બે મુદ્દાઓને લઈ મામલતદાર કચેરી સુધી જનક્રાંતિ મહારેલી યોજાઈ ત્યારબાદ આગેવાનોના સંબોધનમાં પાટીદાર સમાજે હુંકાર કર્યો હતો કે, અત્યાર સુધી પાટીદાર સમાજ દિકરી માટે લડતો હતો પરંતુ હવે એક દિકરા માટે લડશે, આ રેલીના મુખ્ય આયોજક વરૂણભાઈ પટેલે સમાજને સંબોધન કરતાં જણાવ્યું કે, સરકાર ગમે તે કહે રાજેન્દ્ર પટેલ પાટીદારોનું ગૌરવ છે, સરકારના વિરૂદ્ધમાં કહ્યું તમે એક કલેક્ટરને ખોટી રીતે જેલમાં પુર્યો, સમાજ પ્રતિજ્ઞા લે છે કે, હવે ગામેગામ સમાજમાં એક કલેક્ટર જન્મ લેશે, સરકારના ભાગેડુ લગ્ન કાયદા સુધારામાં અમે સમર્થન આપીએ છીએ અમે દરેક દિકરીને બચાવવા લડી રહ્યાં છીએ પરંતુ હવે સમાજના એક દિકરાને બચાવવાની પણ લડત શરૂ થઈ છે.

ભષ્ટાચાર વિશે જણાવ્યું કે કોઈની જમીન રૂપિયા ખવડાવ્યાં વગર એન.એ થઈ નથી, ગુજરાતમાં કયાં કલેક્ટરે પૈસા નથી લીધાં ? રાજયમાં જમીનોમાં ખુબ મોટો ભષ્ટાચાર છે, પાછળના ૧૦ વર્ષમાં તમામ કલેક્ટરોના રેકોર્ડ કઢાવો, ગુનો કર્યો હોય તો કાર્યવાહી ચોક્કસ કરો પરંતુ અન્ય ભષ્ટાચારીઓને પણ પકડીને જેલમાં પુરો, અમારા દિકરાએ ગુનો કર્યો હશે તો લાફો અમે મારશું,બીજો કોઈ કેમ મારી શકશે. રાજયમાં દર મહિને ૫૦૦ કરોડ અને વર્ષે ૬ હજાર કરોડનો ભષ્ટાચાર છે. વરૂણ પટેલે કહ્યું ભષ્ટાચારના આંકડા હું આપીશ, જે જમીનની વાત છે તે રાજેન્દ્ર પટેલ પહેલાના સંપત સાહેબે કરેલું છે તેમની વિરૂદ્ધ પણ કાર્યવાહીની પાટીદાર સમાજ માંગ કરી રહ્યો છે.

ભુતકાળની અનામત ક્રાંતિને તાજી કરતાં કહ્યું કે, ૨૦૧૫માં અમે અનામત માંગવા નીકળ્યાં ત્યારે જય સરદારનો નારો લઈને નીકળ્યાં હતાં, ત્યારે અનેક લોકો કહેતાં પાટીદાર સમાજને અનામત ના મળે, જો અન્ય સમાજને નોકરીની સાથે ચુંટણીમાં અનામત મળે તો પાટીદારોને કેમ નહીં, હવે પાટીદારોને ચુંટણીમાં અનામત આપવા માંગ છે, ૪૯ ટકા ઓપન જગ્યા છે, જયાં ૧૦ ટકા સીટ રીઝર્વ કરવામાં આવે તે સમાજની માંગ છે. દિકરીઓ ભાગીને લગ્ન કરવાના કિસ્સામાં જણાવ્યું અમે દરેકનું સ્વમાન બચાવવા સમાજ રોડ ઉપર નીકળ્યો છે અમને ૧૮ વર્ણના આશિર્વાદ છે.

પાટીદાર સમાજની અલગ અલગ ટીમો બનાવવામાં આવશે અને સમાજની મોટી ઉમિયાધામ,સરદાર ધામ,ખોડલધામ જેવી મોટી સંસ્થાઓમાં અમારી ટીમો જશે અને ત્યાંના પ્રતિનિધિઓને મળીને સવાલ કરશે કે આપણાં સમાજનો દિકરો રાજેન્દ્ર પટેલનું શું?

અમો સમાજના દિકરા માટે ન્યાયની માંગ કરીએ છીએ. આ આંદોલનમાં સમાજની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ અને આગળ પણ વધુ બહેનો ભાઈઓ, યુવાનો પણ જોડાય. આમ માંડલ ખાતે રામપુરા ચોકડીથી આયોજિત પાટીદાર સમાજની બે મુદાઓને લઈને નીકળેલી જનક્રાંતિ મહારેલી મામલતદાર કચેરીએ પહોંચી, મામલતદારને આવેદનપત્રની નકલો સુપ્રત કરીને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

સંબંધિત પોસ્ટ્સ

રાજકીય ભૂકંપ: આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો ભાજપમાં જોડાશે

praxpatel

અન્નનળી વગર જન્મેલા બાળકને સિવિલ હોસ્પિટલે આપ્યું નવજીવન; જાણો આશાસ્પદ Ahmedabad News

praxpatel

“આ મહિલાઓ માટેનો કાયદો નથી, ચૂંટણી નકશો બદલવાનું કાવતરું છે”: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

praxpatel