Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, ૧ મહિનામાં માત્ર ૪ ખેડૂતો પાસેથી ખરીદી!

સુરેન્દ્રનગરના સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો થયો છે. 'બારદાન'ની અછતના બહાને એક મહિનામાં માત્ર ૪ ખેડૂતો પાસેથી જ ખરીદી કરાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત ૨૨ એપ્રિલથી ખરીદી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી હોવા છતાં, આજે આખો મહિનો વીતી જવા આવ્યો તોય જવાબદાર તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. ‘બારદાન’ (કોથળા) ન હોવાનું ગાણું

‘બારદાન’ (કોથળા) ન હોવાનું ગાણું

સાયલા પંથકમાં કુલ ૧૧૦ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક મહિનામાં માત્ર ૪ જ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી છે. પુરવઠા વિભાગ પાસે ઘઉં ભરવા માટે ‘બારદાન’ (કોથળા) ન હોવાનું બહાનું કાઢવામાં આવી રહ્યું છે. જેને કારણે જગતનો તાત કાળઝાળ ગરમીમાં મુશ્કેલીમાં મુકાયો છે. ઘઉંનું વેચાણ ન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે. તેઓ આગામી ચોમાસુ સીઝન માટે ખાતર અને બિયારણની ખરીદી પણ કરી શકતા નથી.

ખેડૂતોએ ઠાલવી પોતાની વ્યથા

ભરતભાઈ નામના સ્થાનિક ખેડૂતે જણાવ્યું કે:

“ઘઉંની ટેકાના ભાવે ખરીદી ૨૨ એપ્રિલથી ચાલુ થઈ ગઈ છે, પરંતુ સાયલા તાલુકામાં માત્ર ૪ ખેડૂતો પાસેથી જ ઘઉં લેવામાં આવ્યા છે. બાકીના લોકો ધક્કા ખાઈ રહ્યા છે. બારદાન ન હોવાને કારણે ખરીદી અટકી પડી છે. વહેલી તકે આ સમસ્યાનું સમાધાન આવે તેવી અમારી માંગ છે.”

અન્ય એક ખેડૂત વનરાજભાઈએ કહ્યું કે, “એક મહિનો થવા આવ્યો છતાં બારદાનના વાંકે ખરીદી શરૂ કરાઈ નથી. ખેડૂતોએ મહામહેનતે ઉપજ લીધી હોય અને જરૂરિયાત સમયે જ માલ ન વેચાય, ત્યારે ભારે તકલીફ વેઠવાનો વારો આવે છે.”

તંત્રની આળસ સામે ઉઠતા સવાલો

એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સાયલાનું વહીવટી તંત્ર સામાન્ય કોથળાની વ્યવસ્થા પણ કરી શકતું નથી. આ પુરવઠા વિભાગની મોટી લાપરવાહી દર્શાવે છે.

જો ૨૨ એપ્રિલથી ખરીદી શરૂ કરવાની જાહેરાત થઈ હતી, તો અગાઉથી પૂરતી વ્યવસ્થા કેમ ન કરાઈ? ૧ મહિનામાં માત્ર ૪ જ ખેડૂતોની ખરીદી કરીને બાકીના ૧૦૬ ખેડૂતોને ક્યાં સુધી હેરાન કરવામાં આવશે? જો બારદાનના અભાવે ખેડૂતોએ નાછૂટકે નીચા ભાવે વેપારીઓને ઘઉં વેચવા પડશે, તો તે નુકસાનની જવાબદારી કોણ લેશે? હાલમાં ખેડૂતો વહીવટી તંત્ર સામે વહેલી તકે ખરીદી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

‘ઘાયલ છું એટલે ઘાતક છું’: રાઘવ ચઢ્ઢાનો AAP ને વળતો પ્રહાર, પક્ષમાં આંતરિક યુદ્ધ તેજ

praxpatel

FIFA World Cup માં ફ્રાન્સની જીત બાદ લંડનમાં હિંસા, ફૂટબોલ ફેન્સે મચાવ્યો હોબાળો

praxpatel

માધવપુર ઘેડનો મેળો 2026: દરિયાકિનારે જામશે ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’નો રોમાંચ, 650 ખેલાડીઓ બતાવશે કસબ

praxpatel