ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડે ક્રિકેટના મેદાન પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને શ્રીલંકાની અન્ડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી મેચમાં અન્વયે શાનદાર ઇનિંગ રમી છે.
સદી ચૂકી ગયો પણ ટીમની લાજ બચાવી
શ્રીલંકા સામેની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય અન્ડર-19 ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે વહેલી તકે વિકેટો ગુમાવી દીધી હતી. આ સમયે અન્વય દ્રવિડ 5મા નંબરે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. તેણે માત્ર 67 બોલમાં 87 રનની તોફાની ઇનિંગ રમી હતી. જેમાં 9 ચોગ્ગા અને 1 શાનદાર સિક્સર સામેલ હતી. જોકે, તે પોતાની સદી પૂરી કરવાથી ચૂકી ગયો હતો.
ભારતનો મજબૂત સ્કોર
મેદાન પર અન્વય દ્રવિડને અર્જુન રાજપૂતનો સારો સાથ મળ્યો હતો. અર્જુને પણ 81 બોલમાં 76 રન બનાવ્યા હતા. આ બંનેની શાનદાર ભાગીદારીના કારણે ભારતીય અન્ડર-19 ટીમ 285 રનનો મજબૂત સ્કોર બનાવવામાં સફળ રહી હતી.
17 વર્ષની ઉંમરે અન્વય આવ્યો લાઈમલાઈટમાં
અન્વય દ્રવિડ હાલમાં માત્ર 17 વર્ષનો છે અને તે જમણા હાથનો બેટ્સમેન છે. આ સિરીઝની પ્રથમ મેચમાં તે માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ બીજી જ મેચમાં તેણે શાનદાર વાપસી કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
દ્રવિડના બંને પુત્રો ક્રિકેટમાં સક્રિય
રાહુલ દ્રવિડનો મોટો પુત્ર સમિત દ્રવિડ પણ ક્રિકેટર છે અને તેની ઉંમર 20 વર્ષની છે. સમિત તાજેતરમાં જ મહારાજા ટી20 લીગમાં રમતો જોવા મળ્યો હતો. હવે રાહુલ દ્રવિડના બંને પુત્રો ક્રિકેટના મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જો તેઓ આ જ રીતે પ્રદર્શન કરતા રહેશે, તો ભવિષ્યમાં ભારતીય સિનિયર ટીમમાં પણ સ્થાન મેળવી શકે છે.
