Ahmedabad Garba Pass Scam : અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાના નકલી પાસનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઔડાના ગ્રાઉન્ડમાં આયોજિત ‘સંકલ્પ નગરી ગરબા’ માં આયોજકોની સત્તાવાર મંજૂરી વિના વિપુલ ભીમાણી નામના શખ્સે ગેરકાયદેસર રીતે વધારાના ડુપ્લિકેટ પાસ છાપી બારોબાર ખેલૈયાઓને પધરાવી દીધા હોવાનો પર્દાફાશ થયો છે.
મેદાનની ક્ષમતા કરતાં અચાનક વધુ ભીડ ઉમટી પડતાં આયોજકો સતર્ક બન્યા હતા અને ગેટ પર ચેકિંગ દરમિયાન રદ થયેલી ડિઝાઇન તથા સત્તાવાર સ્ટીકર વગરના નકલી પાસ પકડાતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ છેતરપિંડી અંગે આયોજકે સરખેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
ક્ષમતા કરતાં વધુ ભીડ ઉમટતાં આયોજકોને શંકા ગઈ
પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો મુજબ:
-
આયોજનની વિગત: સાઉથ બોપલમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતા ૨૭ વર્ષીય દ્રુપદ હિમાંશુ ગાંધીએ તેમના ભાગીદારો ધીરજસિંહ રાઠોડ અને દક્ષ આચાર્ય સાથે મળીને સરખેજ-સિંધુ ભવન રોડ પર ઔડા ગ્રાઉન્ડમાં ‘સંકલ્પ નગરી’ નામે નવરાત્રિ ગરબાનું આયોજન કર્યું હતું.
-
સત્તાવાર પાસ: આયોજકોએ આગમ ઝેરોક્ષ મારફતે ૧૦ દિવસના દૈનિક ૮,૦૦૦ લેખે કુલ ૮૦,૦૦૦ સત્તાવાર પાસ પ્રિન્ટ કરાવ્યા હતા.
-
અચાનક ઉમટેલી ભીડ: ગરબા દરમિયાન નક્કી કરેલી ક્ષમતા કરતાં ઘણી વધુ સંખ્યામાં ખેલૈયાઓ અંદર પ્રવેશી જતાં આયોજકોને શંકા ગઈ હતી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા નકલી પાસ બનાવીને ગેરકાયદે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
૧૬ ઓક્ટોબરે ડિઝાઇન બદલી, જૂના પાસ રદ કર્યા છતાં ખેલૈયાઓ પકડાયા
નકલી પાસના રેકેટને પકડવા માટે આયોજકોએ તાત્કાલિક નવી વ્યવસ્થા ગોઠવી હતી:
-
પાસની નવી ડિઝાઇન: ૧૬ ઓક્ટોબરે આયોજકોએ જૂના પાસ તાત્કાલિક રદ કરીને નવી ડિઝાઇન અને નવા કલરવાળા પાસ તૈયાર કરાવ્યા હતા તથા જૂનો જથ્થો પોતાની પાસે સુરક્ષિત રાખી લીધો હતો.
-
જૂના પાસ સાથે એન્ટ્રીનો પ્રયાસ: ૧૬મીની રાત્રે ગેટ પર કડક ચેકિંગ દરમિયાન કેટલાક ખેલૈયાઓ અગાઉ રદ કરાયેલા જૂની ડિઝાઇનના પાસ લઈને પ્રવેશવાનો પ્રયાસ કરતાં ઝડપાઈ ગયા હતા. આ ખેલૈયાઓની પૂછપરછ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે તેમને આ પાસ વિપુલ ભીમાણી નામના શખ્સે વેચ્યા હતા.
૧૭ ઓક્ટોબરે સ્ટીકર વગરના પાસ પકડાયા: સરખેજ પોલીસમાં ગુનો દાખલ
આયોજકોએ વધુ સાવચેતીના ભાગરૂપે ૧૭ ઓક્ટોબરે માન્ય પાસ પર ખાસ સિક્યોરિટી સ્ટીકર લગાવવાની વ્યવસ્થા કરી હતી:
-
આ વ્યવસ્થા છતાં ૧૭મી ઓક્ટોબરે ઘણા ખેલૈયાઓ સ્ટીકર વગરના ડુપ્લિકેટ પાસ સાથે પ્રવેશતાં પકડાયા હતા.
-
પ્રાથમિક તપાસમાં વિપુલ ભીમાણી અને તેની સાથે સંકળાયેલા અન્ય મળતિયાઓએ આયોજકોની જાણ બહાર મોટી સંખ્યામાં બોગસ પાસ પ્રિન્ટ કરાવી, લાખો રૂપિયાની કમાણી કરી આયોજકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.
આયોજક દ્રુપદ ગાંધીની ફરિયાદના આધારે સરખેજ પોલીસે વિપુલ ભીમાણી અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધીને કેટલા બોગસ પાસ છાપવામાં આવ્યા હતા અને આ નેટવર્કમાં કઈ પ્રિન્ટિંગ પ્રેસ સંડોવાયેલી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
