મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાંથી એક અત્યંત ચકચારી અને ભયાનક અકસ્માત સામે આવ્યો છે. લુણાવાડામાં મુસ્તુફા મસ્જિદ પાસે આવેલી ઉષ્માનીય નગર સોસાયટી નજીક આ ઘટના બની છે. એક બેફામ ગતિએ આવતી કારે રોડ કિનારે ચાલતી બે યુવતીઓને જોરદાર અડફેટમાં લીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
જોરદાર ટક્કર મારી કારચાલક ફરાર
મળતી માહિતી મુજબ, બંને યુવતીઓ રોડ પરથી સામાન્ય રીતે પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી કાળ બનીને આવેલી એક ઇકો કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવતીઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી. અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.
યુવતીઓની હાલત નાજુક, હોસ્પિટલ ખસેડાઈ
અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં બંને યુવતીઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. લોહીલુહાણ હાલતમાં બંનેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોએ તાત્કાલિક ‘108’ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્ત યુવતીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ એક્શનમાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
