ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ ફિલ્મ ‘દ્રશ્યમ’ જોઈને પોતાના જ પતિની ઘાતકી હત્યા કરી નાખી. આ ઘટનાના જે રહસ્યો સામે આવ્યા છે, તેણે લોકોને અંદરથી હચમચાવી દીધા છે. આરોપી પત્ની રૂબી શર્માએ તેના પતિ સુરેન્દ્ર શર્માને ખીરમાં 16 ઊંઘની ગોળીઓ આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ લાશને ઘરમાં જ છુપાવવા માટે તેણે ખતરનાક પ્લાન બનાવ્યો.
પલંગ પરથી લાશ ઢસડી બાથરૂમમાં દાટી
આ ઘટના 18 મેના રોજ બની હતી. રૂબીએ પોતાના પતિની લાશને પલંગ પરથી ઢસડીને બાથરૂમ સુધી પહોંચાડી હતી. તેણે પોતે જ બાથરૂમનું ભોંયતળિયું તોડ્યું અને ખાડો કર્યો.
લાશ જલ્દી ઓગળી જાય તે માટે તેના પર મીઠું અને માટી નાખીને જગ્યા સમતલ કરી દીધી. બીજા દિવસે તેણે કડિયાને બોલાવીને તે ફ્લોર પર પ્લાસ્ટર કરાવી દીધું. આશ્ચર્યની વાત એ છે કે, આરોપી પત્ની પૂરા 46 દિવસ સુધી તે જ બાથરૂમમાં નહાતી રહી, જેની નીચે તેના પતિની લાશ દફન હતી.
હત્યા બાદ જેઠ સમક્ષ ઘડ્યું જૂઠાણું
બાથરૂમનું ભોંયતળિયું સુકાયા પછી રૂબી પોતે જ તેના જેઠના ઘરે ગઈ હતી. ત્યાં તેણે ખોટું બોલતા કહ્યું કે તેના પતિ ચાર દિવસથી ગુમ છે અને ક્યાં ચાલ્યા ગયા છે તેની કોઈ ખબર નથી.
રૂબીએ કાવતરાના ભાગરૂપે દીકરીઓ અને સાસુને પહેલા જ જેઠના ઘરે મોકલી દીધા હતા. ગુનો છુપાવવા માટે તેણે આ આખો આઈડિયા સુપરહિટ ફિલ્મ ‘દ્રશ્યમ’ જોઈને મેળવ્યો હોવાની કબૂલાત કરી છે.
પોલીસ તપાસથી ડરીને પોપટની જેમ બધું બોલી ગઈ
બે દિવસ પહેલા સિકંદરા પોલીસ એક જૂના કેસના સિલસિલામાં રૂબીના ઘરે વેરિફિકેશન માટે ગઈ હતી. પોલીસને જોઈને રૂબી ખરાબ રીતે ગભરાઈ ગઈ. પોલીસે ઓનલાઈન વેરિફિકેશન માટે તેનો ફોટો લીધો, જેથી તે વધુ ડરી ગઈ.
તેણે તાત્કાલિક જેઠને ઘરે બોલાવ્યા. જેઠે જ્યારે પ્રેમથી પૂછ્યું કે ‘કંઈ ખબર હોય તો જણાવી દે, હું કોઈને નહીં કહું’, ત્યારે ડરી ગયેલી રૂબીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. જેઠે તુરંત જ પોલીસને જાણ કરી હતી.
શું આ ગુનામાં કોઈ અન્ય પણ સામેલ છે?
પોલીસને આશંકા છે કે 40 વર્ષની રૂબીએ આટલો મોટો કાંડ એકલા હાથે નથી કર્યો. લાશને પલંગ પરથી ઢસડવી અને બાથરૂમ ખોદવું એક મહિલા માટે એકલા હાથે કરવું મુશ્કેલ છે.
હાલ પોલીસ રૂબીના મોબાઈલની કોલ ડિટેઈલ્સ (CDR) કઢાવી રહી છે. તેની ગૂગલ સર્ચ હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.
