Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

મહાત્મા ગાંધી પણ અહીં જમી ચૂક્યા છે! લંડનનું ઐતિહાસિક ભારતીય રેસ્તરાં બંધ થવાના આરે

મહાત્મા ગાંધી પણ અહીં જમી ચૂક્યા છે! લંડનનું ઐતિહાસિક ભારતીય રેસ્તરાં બંધ થવાના આરે

લંડન ના રીજેન્ટ સ્ટ્રીટમાં આવેલું ઐતિહાસિક ભારતીય રેસ્તરાં ‘વીરાસ્વામી’ (Veeraswamy) મુશ્કેલીમાં મુકાયું છે. આ રેસ્તરાં દુનિયાના સૌથી જૂના ભારતીય રેસ્તરાંમાં ગણાય છે. તાજેતરમાં જ આ મિશેલિન સ્ટાર રેસ્તરાંએ પોતાના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે આ રેસ્તરાંને પોતાની ઐતિહાસિક ઇમારત ખાલી કરવી પડે તેવો ખતરો મંડરાઈ રહ્યો છે.

ભારત સરકાર પાસે મદદની અપીલ

રેસ્તરાંના માલિક ગ્રુપ ‘MW Eat’ ના વડા રંજીત માથરાનીએ આ મામલે ભારત સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે ભારતીય ખાનપાન બ્રિટનમાં ભારતની ‘સોફ્ટ પાવર’નું પ્રતીક છે. ભારત અને બ્રિટનના મજબૂત સંબંધો વચ્ચે લંડનના કેન્દ્રમાંથી આ ઇતિહાસ ગાયબ થાય તે નિરાશાજનક બાબત છે.

બ્રિટિશ ક્રાઉન એસ્ટેટનો ઇનકાર

આ રેસ્તરાં ‘વિક્ટ્રી હાઉસ’ નામની બિલ્ડિંગમાં ચાલે છે. આ બિલ્ડિંગ બ્રિટિશ શાહી સંપત્તિનો એક ભાગ છે, જેનું સંચાલન ‘ક્રાઉન એસ્ટેટ’ કરે છે. ક્રાઉન એસ્ટેટનું કહેવું છે કે બિલ્ડિંગના રિનોવેશન (નવીનીકરણ) ની સખત જરૂર છે. આથી રેસ્તરાંની લીઝ આગળ વધારવી શક્ય નથી.

મહાત્મા ગાંધી સાથે જોડાયેલો છે ઇતિહાસ

આ રેસ્તરાં સાથે મોટો ઇતિહાસ જોડાયેલો છે. આ ઐતિહાસિક રેસ્તરાંમાં ક્યારેક મહાત્મા ગાંધી પણ ભોજન કરી ચૂક્યા છે. આ સિવાય બ્રિટનની દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીય, પ્રિન્સેસ એન અને ઘણા વિદેશી શાહી પરિવારો પણ અહીં આવી ચૂક્યા છે. રેસ્તરાંને બચાવવા માટે ફેબ્રુઆરીમાં 20 હજાર લોકોની સહીવાળી અરજી બકિંગહામ પેલેસ મોકલવામાં આવી હતી.

29 જૂનથી કાનૂની લડાઈ શરૂ થશે

રેસ્તરાંના માલિકો પોતે જ રિનોવેશનનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે, પણ ક્રાઉન એસ્ટેટે તેમની દરખાસ્તો ફગાવી દીધી છે. હવે આ લીઝ અને ભાડૂતના અધિકારોનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં 29 જૂનથી આ કેસની સુનાવણી શરૂ થશે, જે 5 દિવસ ચાલશે. હવે આ ઐતિહાસિક રેસ્તરાંનું ભવિષ્ય અદાલતના નિર્ણય પર ટકેલું છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

ચીનની ચેતવણી સામે પાકિસ્તાન ઝૂક્યું: ગધેડાના માંસની નિકાસને મંજૂરી, જાણો શું છે સમગ્ર વિવાદ

praxpatel

છોટાઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર ઇકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત

praxpatel

જાન્યુઆરીનો રિટેલ ફુગાવો નવી સીપીઆઇ સિરિઝને આધારે જારી કરાશે

ANIL PATEL