દુનિયામાં વધતા તણાવ વચ્ચે પરમાણુ હુમલાનો ખતરો હંમેશા ચર્ચામાં રહે છે. જો ક્યારેય આવી સ્થિતિ સર્જાય, તો ગભરાવાને બદલે સાચી જાણકારી અને ત્વરિત નિર્ણય તમારા અને તમારા પરિવારનો જીવ બચાવી શકે છે. પરમાણુ વિસ્ફોટમાં માત્ર ધડાકો જ નહીં, પણ ત્યારબાદ ફેલાતું ‘રેડિયેશન ફોલઆઉટ’ (Radioactive fallout) સૌથી વધુ ખતરનાક હોય છે.
બચાવ માટેના ત્રણ મુખ્ય મંત્ર છે: ડિસ્ટન્સ (અંતર), શીલ્ડિંગ (આડશ) અને ટાઈમ (સમય).
હુમલા સમયે શું કરવું
અમેરિકન રેડ ક્રોસના અહેવાલ મુજબ, હુમલાની સ્થિતિમાં નીચે મુજબના પગલાં ભરો:
-
મજબૂત ઈમારતમાં આશ્રય લો: જેટલી જલ્દી બને તેટલી જલ્દી કોઈ પાકી ઈમારતની અંદર જતા રહો.
-
બેઝમેન્ટ સૌથી સુરક્ષિત: જો શક્ય હોય તો જમીનની નીચે એટલે કે બેઝમેન્ટમાં જવું સૌથી હિતાવહ છે.
-
વચ્ચેનો ભાગ પસંદ કરો: જો બેઝમેન્ટ ન હોય, તો ઈમારતના વચ્ચેના એવા રૂમમાં રહો જ્યાં બારીઓ ઓછી હોય અને દીવાલો જાડી હોય. ઈંટ અને કોંક્રિટની દીવાલો રેડિયેશન રોકવામાં મદદ કરે છે.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
-
બહારની હવા રોકો: ઘરના તમામ બારી-બારણાં ચુસ્તપણે બંધ કરી દો.
-
AC અને પંખા બંધ કરો: બહારની હવા અંદર લાવતા સાધનો જેવા કે એસી કે વેન્ટિલેશન ફેન તરત જ બંધ કરી દો.
-
24 કલાકનો નિયમ: શરૂઆતના કલાકોમાં રેડિયેશન લેવલ સૌથી વધુ હોય છે, તેથી ઓછામાં ઓછા 24 કલાક સુધી બહાર નીકળવાનું ટાળો.
જો તમે હુમલા સમયે બહાર હોવ તો?
-
જમીન પર સૂઈ જાઓ: તરત જ જમીન પર ઊંધા સૂઈ જાઓ અને તમારા માથાને હાથથી ઢાંકી દો.
-
મોઢું ઢાંકો: રેડિયોએક્ટિવ કણો શરીરમાં ન જાય તે માટે નાક અને મોઢા પર રૂમાલ કે માસ્ક બાંધી દો.
-
શરીરની સફાઈ: જો તમે બહારથી અંદર આવ્યા હોવ, તો તરત જ તમારા કપડાં બદલો અને તેને પ્લાસ્ટિક બેગમાં પેક કરી દો. સાબુ અને પાણીથી શરીર અને વાળ બરાબર સાફ કરો જેથી કણો દૂર થઈ શકે.
સત્તાવાર સૂચનાઓનું પાલન કરો
આવી કટોકટીમાં અફવાઓ પર ધ્યાન ન આપો. રેડિયો, ટીવી કે મોબાઈલ પર મળતી સરકારી સૂચનાઓનું જ પાલન કરો. જ્યાં સુધી સુરક્ષિત હોવાની જાહેરાત ન થાય ત્યાં સુધી બહાર ન નીકળો.
ડિસ્ક્લેમર: આ માહિતી નિષ્ણાતોના અભિપ્રાય અને સંશોધન પર આધારિત છે. કટોકટીના સમયે હંમેશા સ્થાનિક વહીવટીતંત્રની માર્ગદર્શિકાને પ્રાધાન્ય આપવું.
