Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત RTO માં AI ડ્રાઇવિંગ ટ્રેક પર ૮૦% લોકો ફેલ: લાંબા વેઇટિંગ અને હોબાળા બાદ નિયમો હળવા કરવા તંત્રની તૈયારી

ગુજરાતની ૩૯ આરટીઓમાં AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૮૦% અરજદારો ફેલ થતાં હોબાળો મચ્યો છે. સુભાષ બ્રિજ RTO ની સ્થિતિ જોતાં વાહનવ્યવહાર મંત્રીએ દોડી જઈ નિયમોમાં ફેરફારના સંકેત આપ્યા છે.

ગુજરાત રાજ્યની ૩૯ આરટીઓ કચેરીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવા અને વચેટિયાઓની ભૂમિકા નાબૂદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ઓટોમેટેડ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે. જોકે, આ નવી પ્રણાલી અમલમાં આવ્યા બાદ ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થવાનો દર અધધધ ૮૦ ટકા સુધી પહોંચી જતાં અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. પરીક્ષામાં સામૂહિક નિષ્ફળતાને કારણે આરટીઓમાં ફરીથી ટેસ્ટ આપવા માટે મહિનાઓ લાંબુ વેઇટિંગ લિસ્ટ તૈયાર થઈ ગયું છે, જેના પગલે વાહનવ્યવહાર વિભાગ હવે ટ્રેકના નિયમો અને માપદંડોમાં સુધારો કરવા સક્રિય બન્યું છે.

અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓ ખાતે પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર બની છે. અહીં દરરોજ આશરે ૧૨૦ જેટલા ફોર વ્હીલર ઉમેદવારો ટેસ્ટ આપે છે, જેમાંથી અગાઉ મેન્યુઅલ સિસ્ટમમાં ૫૫ થી ૬૦ લોકો નાપાસ થતા હતા. પરંતુ AI સિસ્ટમ લાગુ થયા બાદ છેલ્લા દોઢ મહિનાથી ફેલ થનારાઓનો આંકડો ૯૬ થી ૧૦૦ સુધી પહોંચી ગયો છે. રાજ્યભરમાંથી ઉઠેલી વ્યાપક ફરિયાદો બાદ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રવિણ માળીએ સુભાષ બ્રિજ આરટીઓની ઓચિંતી મુલાકાત લઈને ટેસ્ટિંગ પ્રક્રિયાની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી હતી.

આરટીઓ અધિકારીઓના જણાવ્યા મુજબ, સુભાષ બ્રિજ ખાતે ૧૬ જેટલા અત્યાધુનિક એઆઈ કેમેરા દ્વારા ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં માનવીય દખલગીરી શૂન્ય છે. મોટાભાગના ઉમેદવારો પેરેલલ પાર્કિંગ અને ગ્રેડિયન્ટ (ઢાળ) સેક્શનમાં ભૂલો કરે છે. પાર્કિંગ કરતી વખતે ગાડી ખાલી સાઇડ ડિવાઇડર સાથે સહેજ પણ સ્પર્શે તો એઆઈ સિસ્ટમ તુરંત જ ઉમેદવારને ફેલ જાહેર કરી દે છે. આ ઉપરાંત, ટેસ્ટ પહેલાં બતાવવામાં આવતી ગાઇડલાઇન વિડિયો પર પૂરતું ધ્યાન ન આપવું અને પ્રેક્ટિસનો અભાવ પણ નિષ્ફળતાના મુખ્ય કારણો છે.

જોકે, સુરત અને મોડાસા જેવી આરટીઓ કચેરીઓમાં જ્યાં એઆઈ ટ્રેક પ્રમાણમાં જૂના છે, ત્યાં લોકો યોગ્ય પ્રેક્ટિસ કરીને આવતા હોવાથી પાસ થવાની ટકાવારી ધીમે ધીમે સુધરી રહી છે. સામાન્ય રીતે ૩૦ ટકા જેટલા અરજદારો બીજી વખતમાં ટેસ્ટ પાસ કરી લે છે. તેમ છતાં, સમગ્ર રાજ્યમાં વધતા અસંતોષને ધ્યાને રાખીને વાહનવ્યવહાર વિભાગ ટ્રેકના વળાંક, સમય મર્યાદા અને સેન્સર પોઇન્ટ્સમાં વ્યવહારુ છૂટછાટ આપવા અંગે સક્રિય વિચારણા કરી રહ્યું છે.


સંબંધિત પોસ્ટ્સ

ચર્ચમાં જ સામસામે આવી ગયા પાદરીઓના બે જૂથ: ઓર્થોડોક્સ અને જેકોબાઈટ જૂથો વચ્ચે હિંસક ઝઘડો, મચી અફડાતફડી

praxpatel

અમદાવાદ: રથયાત્રામાં અભેદ્ય સુરક્ષા કવચ, ત્રણેય રથનું 35 ડ્રોન અને GPSથી લાઇવ મોનિટરિંગ

praxpatel

Dhurandhar 2: The Revenge, ટ્રેલર રિલીઝ થતાં જ છવાયું, Alia Bhatt થી લઈને Ram Gopal Varma સુધી સેલેબ્સે આપી જબરદસ્ત પ્રતિક્રિયા

Maheriya Nirali