સરકારે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. બફર સ્ટોક માટે ડુંગળીની ખરીદ કિંમત 13 ટકા વધારી દેવામાં આવી છે. હવે સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળી ખરીદશે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ ખરીદી વધારવાનો અને ખેડૂતોને પાકના સારા વળતર આપવાનો છે.
નવા ભાવો ક્યારથી લાગુ થશે?
આ અગાઉ બફર સ્ટોક માટે ડુંગળીનો સરકારી ભાવ 1,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. સત્તાવાર નિવેદન અનુસાર, ડુંગળી ખરીદીના આ નવા દરો 4 જુલાઈ, 2026 થી દેશભરમાં લાગુ થઈ ગયા છે.
ચાલુ સીઝનમાં 5મી વખત ભાવ વધ્યા
ચાલુ ખરીદી સીઝનમાં સરકાર દ્વારા ભાવમાં કરવામાં આવેલો આ પાંચમો વધારો છે. વાસ્તવમાં, પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળ 2026 ના બફર સ્ટોક માટે સરકારી ખરીદી ખૂબ જ ધીમી રહી છે.
વારંવાર ભાવ વધારવા છતાં, 1 જૂનથી અત્યાર સુધીમાં માત્ર 2,000 ટન ડુંગળીની જ ખરીદી થઈ શકી છે.
ક્યારે કેટલા ભાવ વધ્યા? (પ્રતિ કિલો)
સીઝનની શરૂઆતથી ડુંગળીના સરકારી ખરીદ ભાવ આ રીતે સતત વધતા રહ્યા છે:
-
શરૂઆતમાં: 12.70 રૂપિયા પ્રતિ કિલો
-
22 મે: 15.80 રૂપિયા પ્રતિ કિલો
-
13 જૂન: 16.50 રૂપિયા પ્રતિ કિલો
-
20 જૂન: 17.30 રૂપિયા પ્રતિ કિલો
-
ત્યારબાદ: 18.75 રૂપિયા પ્રતિ કિલો
-
હવે નવો ભાવ: 21.25 રૂપિયા પ્રતિ કિલો (એટલે કે 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ)
ડુંગળીનું ઉત્પાદન કેટલું રહેશે?
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના બીજા આગોતરા અંદાજ (2025-26) મુજબ, દેશમાં ડુંગળીનું કુલ ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ છે. જે ગત વર્ષના 307.67 લાખ ટનની આસપાસ જ છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં ડુંગળીની ઉપલબ્ધતાને લઈને કોઈ ચિંતા નથી. જો કે, સામાન્ય મોસમી પ્રવાહ મુજબ આગામી સમયમાં ભાવ થોડા વધી શકે છે.
દેશમાં ડુંગળીનો પૂરતો સ્ટોક
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ડુંગળીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. દેશભરની મંડીઓમાં રોજની આવક 50,000 ટનથી વધુ નોંધાઈ રહી છે.
-
એકલા મહારાષ્ટ્રમાંથી જ 30,000 ટનથી વધુ ડુંગળી બજારમાં આવી રહી છે.
-
મંડીઓમાં સરેરાશ મોડલ કિંમત લગભગ 18 રૂપિયા પ્રતિ કિલો છે.
-
જ્યારે સમગ્ર ભારતમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 31 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે.
નિકાસ માર્કેટમાં પાકિસ્તાન-ચીન તરફથી સ્પર્ધા
જૂન મહિનામાં ભારતમાંથી લગભગ 1.50 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. જો કે, વેપારીઓને આશંકા છે કે આગામી સમયમાં નિકાસની ગતિ ધીમી પડી શકે છે.
પાકિસ્તાન અને ચીનમાંથી આવતો નવો અને સસ્તો પાક અખાતી દેશો, શ્રીલંકા અને દૂરા પૂર્વના દેશોમાં ભારતીય ડુંગળીને આકરી સ્પર્ધા આપી રહ્યો છે.
