Gujarat Plus
Breaking News
ગુજરાત

ઘંટાકર્ણ મહાવીર ક્લોથ માર્કેટ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પાર્કિંગમાં બનેલી ગેરકાયદે દુકાનો નિયમિત કરવાનો હુકમ રદબાતલ

AMC

અમદાવાદના જાણીતા વ્યાપારી કેન્દ્ર ગણાતા ઘંટાકર્ણ મહાવીર ક્લોથ માર્કેટ કોમ્પ્લેક્સના ૨૦ વર્ષ જૂના વિવાદમાં કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સિવિલ સૂટ નં. ૨૩૫/૨૦૦૬ ની સુનાવણી દરમિયાન અદાલતે સ્પષ્ટ ઠરાવ્યું છે કે કોમ્પ્લેક્સના ભોંયરા (બેઝમેન્ટ) માં પાર્કિંગ માટે ફાળવાયેલી જગ્યામાં ઊભી કરાયેલી તમામ દુકાનો સંપૂર્ણપણે ગેરકાયદે છે. આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અગાઉ કરવામાં આવેલા નિયમિતીકરણના આદેશને ગેરકાયદે ઠેરવી રદબાતલ કરવામાં આવ્યો છે.

મુખ્ય મુદ્દા (Highlights):

  • બેઝમેન્ટ પાર્કિંગની ૭૦% જગ્યામાં બનેલી ગેરકાયદે દુકાનોનું AMC દ્વારા કરાયેલું રેગ્યુલરાઇઝેશન કોર્ટે ફગાવ્યું.

  • મંજૂર પ્લાન મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર ૨,૬૦૦ ચો.મી. અને બેઝમેન્ટમાં ૭,૭૯૬ ચો.મી. જગ્યા પાર્કિંગ માટે અનામત હતી.

  • કોર્ટે સ્પષ્ટ કર્યું કે લાંબા સમયથી અસ્તિત્વમાં હોવા માત્રથી ગેરકાયદે બાંધકામ કાયદેસર બનતું નથી.

  • પાર્કિંગમાં દુકાન ખરીદનારાઓને ‘બોનાફાઇડ પર્ચેઝર’ તરીકે કાનૂની રક્ષણ આપવાનો કોર્ટે ઇનકાર કર્યો.

સમગ્ર વિવાદની વિગત:

કોમ્પ્લેક્સમાં દુકાન નં. B-205 બુક કરાવનાર વાદીના addvocate કે. ડી. શર્મા (K.D. Sharma) દ્વારા અદાલતમાં દાદ માંગવામાં આવી હતી. વાદીના   addvocate K.D. sharmaની રજૂઆત મુજબ, સોસાયટીના ડેવલપર તથા અન્ય પક્ષકારોએ મેળાપીપણું કરીને નિયત પાર્કિંગ વિસ્તારની આશરે બે-તૃતીયાંશ (૨/૩) જગ્યા પર ગેરકાયદે દબાણ કર્યું હતું અને ત્યાં દુકાનો બનાવી વેચી દીધી હતી. તેના કારણે કોમ્પ્લેક્સના સભ્યો, ગ્રાહકો અને વેપારીઓ માટે પાર્કિંગની ભારે અછત સર્જાઈ હતી અને જાહેર માર્ગો પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી.

કોર્ટના મહત્વના તારણો અને અવલોકનો:

  • સમય વીતવાથી ગેરકાયદે બાંધકામ કાયદેસર બનતું નથી: કોઈ બાંધકામ દાયકાઓ જૂનું હોય માત્ર તેટલા કારણસર તેને કાયદેસરતા મળી જતી નથી.

  • નિયમિતીકરણ ગેરકાયદે: AMC દ્વારા ૨૦૦૧ ના કાયદા હેઠળ બાંધકામ નિયમિત કરવાનો હુકમ GDCR ના નિયમ-૨(૮) નો સીધો ભંગ છે. નિયમ મુજબ બેઝમેન્ટમાં માત્ર ૭% જગ્યા અન્ય ઉપયોગ માટે વાપરી શકાય, જ્યારે અહીં ૭૦% જગ્યા દબાવી લેવાઈ હતી.

  • ખરીદદારોને કોઈ રક્ષણ નહીં: કોર્ટે નોંધ્યું કે વિવાદિત અને કોર્ટ કાર્યવાહી હેઠળ હોવાની જાણ હોવા છતાં ખરીદી કરવામાં આવી હોવાથી ખરીદદારો ‘બોનાફાઇડ પર્ચેઝર’ ગણાય નહીં.

  • કોમન સુવિધાઓ પર સૌનો સમાન હક: ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચુકાદાઓ (વ્રજભૂમિ કોર્પોરેશન વિ. અંબા એપાર્ટમેન્ટ અને હિરેનભાઈ પારેખ કેસ) ટાંકીને કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે પાર્કિંગ, દાદર અને ટેરેસ જેવી સામાન્ય સુવિધાઓ પર તમામ સભ્યોનો સમાન હક છે અને બિલ્ડર તેનો અંગત વેચાણ માટે ઉપયોગ કરી શકે નહીં.

આ ઐતિહાસિક ચુકાદા બાદ ઘંટાકર્ણ મહાવીર ક્લોથ માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાં ઊભી થયેલી તમામ ગેરકાયદે દુકાનો સામે કડક ડિમોલિશન અને કાનૂની કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓ ને લોકોએ તગેડી મૂક્યા

praxpatel

દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજે ગાઢ ધુમ્મસ: યુપીના 6 જિલ્લામાં સ્કૂલો બંધ; બિહારમાં 8 ફ્લાઇટ રદ, બે જગ્યાએ વાહનો અથડાયા

Gujarat Plus

બાનાખત રદ કરવા બંને પક્ષોની હાજરી ફરજિયાત, વડોદરામાં 20 વર્ષના દસ્તાવેજોની તપાસ

praxpatel