છોટા ઉદેપુર જિલ્લામાં લોકપ્રતિનિધિઓ દ્વારા હથિયારોના પ્રદર્શનનો મામલો ગરમાયો છે. ગઈકાલે સાંસદ જશુ રાઠવાનો બંદૂક વાળો વીડિયો વાયરલ થયો હતો. હવે છોટા ઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા મોટા વિવાદમાં સપડાયા છે. સોશિયલ મીડિયા પર તેમનો એક નવો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ખુલ્લેઆમ બંને હાથમાં હથિયારો લહેરાવતા જોવા મળે છે.
જીતની ખુશીમાં કાયદાનો ડર ભૂલ્યા પ્રમુખ
મળતી માહિતી મુજબ, રમેશ રાઠવા છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. તેમની વરણી બાદ સમર્થકોએ એક ભવ્ય વિજય રેલીનું આયોજન કર્યું હતું. આ વિજય સરઘસ દરમિયાન પ્રમુખ રમેશ રાઠવા જીતની ખુશીમાં ભાન ભૂલ્યા હતા. તેમણે કાયદાનો ડર રાખ્યા વિના પોતાના બંને હાથમાં બે મોટી બંદૂકો પકડી રાખી હતી. રેલીમાં હાજર કોઈ વ્યક્તિએ આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
જનતા અને વિપક્ષમાં ભારે આક્રોશ
એક જવાબદાર લોકપ્રતિનિધિ તરીકે જાહેર સ્થળોએ હથિયારોનું આવું પ્રદર્શન કેટલું યોગ્ય? આ સવાલને લઈને સ્થાનિક જનતા અને વિપક્ષ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, શું નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? સત્તાના નશામાં કાયદો હાથમાં લેતા નેતાઓ સામે પોલીસ ક્યારે પગલાં લેશે?
જિલ્લામાં બે દિવસમાં બે મોટા નેતાઓના હથિયાર લહેરાવતા વીડિયો સામે આવ્યા છે. આ ઘટના બાદ છોટા ઉદેપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે.
