અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઔદ્યોગિક હબ સાણંદમાંથી આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી એક કલર બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ભયાનક હતી કે ફેક્ટરીમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
કેમિકલના કારણે જોતજોતામાં આગ આખી ફેક્ટરીમાં પ્રસરી
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મોરૈયાની આ ખાનગી ફેક્ટરીમાં કલર (રંગ) બનાવવાનું કામ ચાલતું હતું. ફેક્ટરીની અંદર મોટા પ્રમાણમાં કલર અને તેમાં વપરાતા અત્યંત જ્વલનશીલ કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ કેમિકલના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીમાં લાગેલી આગ જોઈને અંદર કામ કરતા શ્રમિકો અને આજુબાજુના લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે, બચાવ કામગીરી શરૂ
આગની ઘટના અંગે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ સાણંદ અને આસપાસના ફાયર સ્ટેશનો પરથી ફાયર ફાઈટરની ગાડીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ પાણી અને ખાસ કેમિકલ ફોમનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.
ફેક્ટરીની અંદર કોઈ શ્રમિક કે મજૂર ફસાયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ખામી) હજુ સુધી જાણી શકાયું નથી.
