ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે અમેરિકન ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓના રડાર પર આવ્યું છે. અમેરિકામાં અચાનક થતાં મોતના સૌથી મોટા કારણ બનેલા સિન્થેટિક ઓપિયોઇડ ડ્રગ ‘ફેન્ટેનાઈલ’ (Fentanyl) ને બનાવવા માટેના પ્રીકર્સર કેમિકલ્સ પૂરા પાડવામાં ગુજરાત અને ખાસ કરીને સુરતની કેટલીક કંપનીઓ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. મેક્સિકોની કુખ્યાત સિનાલોઆ કાર્ટેલને કાચો માલ મોકલવાના આ વૈશ્વિક કૌભાંડ સામે અમેરિકન પ્રશાસન અને ભારતીય તપાસ એજન્સીઓએ સકંજો કસ્યો છે. અગાઉ આ સપ્લાય ચીનથી થતી હતી, પરંતુ ચીને કડક નિયંત્રણો લાદતાં આંતરરાષ્ટ્રીય તસ્કરોએ ગુજરાતના વિશાળ કેમિકલ નેટવર્કને ટાર્ગેટ બનાવ્યું છે.
યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) અનુસાર, ફેન્ટેનાઈલ હેરોઈન કરતાં ૫૦ ગણું અને મોર્ફિન કરતાં ૧૦૦ ગણું વધુ ઘાતક છે. પેન્સિલની અણી પર આવી શકે તેટલો માત્ર ૨ મિલીગ્રામનો ડોઝ પણ કોઈપણ વ્યક્તિનો જીવ લેવા પૂરતો છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના ડેટા મુજબ, ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોમાં ઓવરડોઝથી થતાં મોતમાં આશરે ૬૯ ટકા મૃત્યુ ફેન્ટેનાઈલના કારણે થાય છે. તબીબી ક્ષેત્રે આ ડ્રગ કેન્સરના દર્દીઓ માટે પેઇનકિલર અને એનેસ્થેસિયામાં વપરાય છે અને ભારતમાં NDPS એક્ટ હેઠળ નિયંત્રિત છે, પરંતુ નિયમનકારી છટકબારીઓનો લાભ ઉઠાવી ગેરકાયદે નિકાસ કરવામાં આવી રહી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે સુરતની એથોસ કેમિકલ્સ અને રક્સુટર કેમિકલ્સ જેવી પેઢીઓ બોગસ ‘એન્ડ-યુઝર સર્ટિફિકેટ’ બનાવી N-Boc-4-piperidone અને ANPP જેવા પ્રતિબંધિત પ્રીકર્સર કેમિકલ્સ ગુવાટેમાલા અને મેક્સિકો પહોંચાડતી હતી. માત્ર ૧ કિલો આવા કેમિકલમાંથી ૧.૮ કિલો એટલે કે ૯ લાખ જીવલેણ ડોઝ તૈયાર થઈ શકે છે. કસ્ટમ્સથી બચવા કેમિકલના કન્સાઈનમેન્ટ પર ‘વિટામિન સી’ અને ‘એન્ટાસિડ’ના લેબલ લગાવી તસ્કરી કરવામાં આવતી હતી. આ મામલે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ (OFAC) દ્વારા સંડોવાયેલા ભારતીય સંચાલકો પર આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
દેશના કુલ કેમિકલ ઉત્પાદનમાં ગુજરાત ૫૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે અને મુન્દ્રા તથા પીપાવાવ બંદરો મધ્ય અમેરિકા માટે સીધો દરિયાઈ માર્ગ પૂરો પાડે છે. આ અનુકૂળ ઔદ્યોગિક વ્યવસ્થાનો દુરુપયોગ આંતરરાષ્ટ્રીય કાર્ટેલ દ્વારા થઈ રહ્યો છે. યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં ગેરકાયદે ફેન્ટેનાઈલ કેમિકલ્સના સ્ત્રોતમાં ભારતને ચીન પછી બીજા સ્થાને મૂકવામાં આવતાં સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સ વિભાગે ગુજરાતના બંદરો અને ફાર્મા યુનિટ્સ પર મોનિટરિંગ વધુ કડક બનાવ્યું છે.
