Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

૭.૭ ની તીવ્રતાના ભૂકંપ બાદ ઇન્ડોનેશિયાના સાનો ન્ગોઆંગ તળાવમાં રહસ્યમય કાળો પદાર્થ દેખાયો: વૈજ્ઞાનિક તપાસ શરૂ

ઇન્ડોનેશિયામાં ૭.૭ ના ભૂકંપ બાદ સાનો ન્ગોઆંગ તળાવનો રંગ બદલાયો | તળાવમાં કાળો પદાર્થ તરતો દેખાયો

ઇન્ડોનેશિયાના ફ્લોરેસ દ્વીપ સ્થિત વેસ્ટ મંગગરાઈ ક્ષેત્રમાં તાજેતરમાં આવેલા ૭.૭ ની તીવ્રતાના ભીષણ ભૂકંપ બાદ એક અત્યંત અસામાન્ય અને રહસ્યમય કુદરતી ઘટના સામે આવી છે. ભૂકંપના શક્તિશાળી આંચકાઓ બાદ સ્થાનિક વિસ્તારમાં આવેલા જાણીતા ‘સાનો ન્ગોઆંગ’ (Sano Nggoang) તળાવના પાણીનો રંગ બદલાઈ ગયો છે અને તેની સપાટી પર કાળા રંગનો પદાર્થ તરતો જોવા મળ્યો છે. સ્થાનિક લોકો આ રહસ્યમય સ્થિતિને પરંપરાગત ભાષામાં ‘તાઈ સાનો’ તરીકે ઓળખાવી રહ્યા છે.

આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિકો તેમજ વૈજ્ઞાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ સાનો ન્ગોઆંગ એ કોઈ સામાન્ય સરોવર નથી, પરંતુ તે પ્રાચીન જ્વાળામુખીના ક્રેટર (Caldera) માં બનેલું એક ઊંડું તળાવ છે. આ વિસ્તારમાં જમીનની નીચે ભૂગર્ભીય હિલચાલ, ગરમ પાણીના ઝરણાં અને ગેસ બહાર નીકળવા જેવી કુદરતી પ્રવૃત્તિઓ વર્ષોથી સતત ચાલતી રહે છે.

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશનના ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામ અને અન્ય વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર, આ તળાવ આશરે ૩.૩ × ૨.૨ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની મહત્તમ ઊંડાઈ લગભગ ૫૦૦ મીટર સુધીની છે. આ તળાવનું પાણી અત્યંત એસિડિક છે, જેનું pH સ્તર અગાઉ ૩.૧૭ જેટલું નોંધાયેલું છે. તેના પાણીમાં સલ્ફેટ, હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ખનિજ રસાયણો મોટા પ્રમાણમાં હાજર હોવાથી આસપાસ સતત ગંધક (સલ્ફર) ની તીવ્ર ગંધ આવતી રહે છે.

પ્રાથમિક અનુમાન મુજબ, ૭.૭ ની તીવ્રતાના ભારે આંચકાને લીધે ૫૦૦ મીટર ઊંડા તળાવના તળિયે જમા થયેલી કાદવ-માટી, ખનિજો અથવા સુષુપ્ત જ્વાળામુખીના પદાર્થો સપાટી પર આવી ગયા હોવાની શક્યતા છે. જોકે, આ પદાર્થ ખરેખર ભૂકંપના કારણે જ ઉપર આવ્યો છે કે તેની પાછળ કોઈ નવો જ્વાળામુખીય સળવળાટ જવાબદાર છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. વૈજ્ઞાનિક ટીમો દ્વારા પાણી અને આ કાળા પદાર્થના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ જ આ રહસ્ય પરથી સાચો પડદો ઊંચકાશે.


સંબંધિત પોસ્ટ્સ

હાડકાં સુધી ઓગાળી નાખે તેવું ભયાનક હથિયાર: જાણો શું છે આ ‘સફેદ ફોસ્ફરસ’ બોમ્બ?

praxpatel

દુનિયાભરમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન કેમ પડી રહ્યા છે નબળા? આ રહ્યાં મુખ્ય કારણો

praxpatel

ફિલિપાઈન્સમાં ભૂકંપ અને સુનામીનો કહેર: 19 લોકોના મોત, 200થી વધુ ઘાયલ, 7.8 રહી તીવ્રતા

praxpatel