ફિલિપાઈન્સ ના દક્ષિણ ભાગમાં સોમવારે સવારે 7.8 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ દરિયાકાંઠે સુનામી આવતા ભારે નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 200 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મિંડાનાઓ વિસ્તારમાં હતું ભૂકંપનું કેન્દ્ર
ફિલિપાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓ ટાપુ પર હતું. તે જનરલ સેન્ટોસ શહેરથી 13 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં, 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો.
ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. સુનામીના કારણે શરૂઆતમાં દરિયાકાંઠે 1 મીટર ઊંચી લહેરો ઉછળી હતી.
સળંગ ત્રણ જોરદાર આંચકા અનુભવાયા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 5.07 થી 6.25 વાગ્યાની વચ્ચે ભૂકંપના 3 મોટા આંચકા અનુભવાયા હતા:
-
પહેલો આંચકો: સવારે 5.07 કલાકે, 7.7 ની તીવ્રતા. (કેન્દ્ર 93 કિમી ઊંડે)
-
બીજો આંચકો: સવારે 5.18 કલાકે, 6.4 ની તીવ્રતા. (કેન્દ્ર 79 કિમી ઊંડે)
-
ત્રીજો આંચકો: સવારે 6.25 કલાકે, 6.6 ની તીવ્રતા. (કેન્દ્ર 76 કિમી ઊંડે)
લોકોને ઊંચા સ્થળોએ જવા અપીલ
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે મોટી ચેતવણી આપી છે. ફિલિપાઈન્સના કેટલાક કાંઠે 3 મીટર સુધીની ઊંચી સુનામી લહેરો ઉછળી શકે છે.
રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે લોકોને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચા સ્થળોએ જતા રહેવા અપીલ કરી છે. ફિલિપાઈન ઇન્સ્ટિટ્યૂટના વડા ટેરેસિટો બેકોલકોલે પણ કાંઠા વિસ્તારના લોકોને ચેતવણી આપી છે.
પાડોશી દેશોમાં પણ સુનામીનો ખતરો
આ ભૂકંપની અસર પાડોશી દેશોમાં પણ જોવા મળી છે.
-
ઇન્ડોનેશિયાના ઉત્તરી સુલાવેસી અને ઉત્તરી માલુકુ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
-
ઇન્ડોનેશિયા અને મલેશિયાના કેટલાક કાંઠે 1 મીટર સુધીની લહેરો ઉછળી શકે છે.
-
તાઈવાન, જાપાન, ગુઆમ અને પાપુઆ ન્યુ ગિનીમાં પણ નાની સુનામી આવવાની શક્યતા છે.
ફિલિપાઈન્સ દેશ ‘રિંગ ઓફ ફાયર’ પર આવેલો છે. આ કારણે અહીં વારંવાર ભૂકંપ, જ્વાળામુખી અને વાવાઝોડા જેવી કુદરતી આફતો આવતી રહે છે.
< /p>
