sonia gandhi: ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના ગાન દરમિયાન સર્જાયેલા કથિત વિવાદે હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. કેન્દ્રીય મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવતાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? તેઓ લગ્ન પછી ભારતમાં આવ્યા છે અને તેમની નસોમાં ઈટાલિયન લોહી વહે છે.
કુમારસ્વામીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, પરંતુ સોનિયા ગાંધીનો દેશ માટે શું ત્યાગ છે? તેઓ મૂળ ભારતીય ન હોવાથી ભારતીય ભાવનાઓ અને પરંપરાઓનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ઐતિહાસિક સંદર્ભ આપતાં ઉમેર્યું કે ખુદ મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસના અધિવેશનમાં વંદે માતરમનું ગાન થતું હતું, જ્યારે વર્તમાન કોંગ્રેસ પક્ષ સંકુચિત માનસિકતા દર્શાવી રહ્યો છે.
આ નિવેદન સામે કોંગ્રેસ પક્ષે આક્રમક વલણ અપનાવીને તીખો પલટવાર કર્યો છે. કર્ણાટક સરકારના મંત્રી રિઝવાન અરશદે કુમારસ્વામીને એક હતાશ રાજકારણી ગણાવતાં કહ્યું હતું કે સોનિયા ગાંધી ઘણા મૂળ ભારતીયો કરતાં પણ વધુ ભારતીય છે. તેમના પરિવારે દેશની અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે અને તેઓ હંમેશા એકજૂથ તથા ન્યાયપૂર્ણ ભારતના નિર્માણ માટે લડતા રહ્યા છે.
કોંગ્રેસે વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે રાષ્ટ્રગીતના ગાનને રોકવાનો કોઈ ઈરાદો નહોતો. પક્ષના વરિષ્ઠ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે લાંબા સમયથી ઊભા હોવાથી તેમના માટે ખુરશી મંગાવવાનો માત્ર ઈશારો કરવામાં આવ્યો હતો, જેને રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટના કાર્યક્રમના સંદર્ભમાં કર્ણાટકના મેંગ્લુરુ અને દિલ્હીના આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત વાંધા બદલ ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે.
